ISRO કોઈપણ સેટેલાઇટ લોન્ચ કરે, કેબલ તો સાણંદના જ હોય
થોડા દાયકા પહેલા ત્રીજા વિશ્વનું દેશ કહેવાતું ભારત આજે સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં હરણફાળ ભરી રહ્યું છે. દુનિયાના ઘણા વિકસિત દેશો પણ પોતાના ઉપગ્રહો આકાશમાં તરતા મૂકવા માટે ભારતીય સંસ્થા ઇસરોનો સંપર્ક કરે છે. 2017માં ઇસરોએ એકસાથે 104 સેટેલાઇટ્સ આકાશમાં તરતા મૂકીને રેકોર્ડ બનાવ્યો હતો. તમને જાણીને કદાચ નવાઈ લાગી શકે છે કે ઇસરોના જેટલા પણ સેટેલાઇટ્સ લોન્ચ થાય છે એમાં અમદાવાદની એક કંપની પર આધાર રાખે છે. આ કંપની સાણંદ GIDCમાં આવેલી છે.
સેટેલાઇટ્સમાં અલગ-અલગ ભાગોમાં જુદા-જુદા પ્રકારના વાયરની જરૂર પડે છે. ઇસરોની જરૂરીયાતને ‘સંઘવી એરોસ્પેસ’ પૂરી પાડે છે. આ વાયર્સ સામાન્ય નથી હોતા. તેની આગવી ગુણવત્તાના કારણે જ ભારતમાં તેમના સિવાય કોઈ અન્ય કંપની ઈસરોને આ વસ્તુ પૂરી પાડી શકતી નથી.
કંપનીના સ્થાપક કેતનભાઈ સંઘવીએ જણાવ્યું કે, 1992માં કંપનીની સ્થાપના થઈ તે પહેલાં જ ઈસરોએ તેમનો સંપર્ક કર્યો હતો. ઈસરોને ખબર હતી કે જો ભારત ન્યુક્લિયર ટેસ્ટ કરશે તો અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઈસરોએ પહેલેથી જ સ્વદેશી વાયર્સ બનાવવા માટે સંઘવી એરોસ્પેસને કહ્યું હતું. 1993થી સંઘવી એરોસ્પેસે ઈસરોને વાયર્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું. એ સમયે ચાર વર્ષે એક સેટેલાઇટ લોન્ચ થતું હતું. એટલે 1996 પછી ઈસરોના તમામ સેટેલાઈટ્સમાં આ જ કંપનીના વાયર્સનો ઉપયોગ થવા લાગ્યો.
ભૂષણભાઈ સંઘવીએ કહ્યું, ‘અમારું મુખ્ય કામ 50 ટકા સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીમાં છે. જેમાં ભારતના જેટલા પણ સેટેલાઇટ્સ છે જેમ કે ચંદ્રયાન, મંગલયાન, ઇન્સેટ, IRNSS, કારટોસેટ, એસ્ટ્રોસેટ આ બધા માટે વાયર મેન્યુફેક્ચર કરીને ઇસરોને આપીએ છીએ. ASLV, PSLV, GSLV, SSLV, LVM3 જે સેટેલાઇટને સ્પેસમાં લઈ જતાં લોન્ચ વ્હિકલ છે, એના માટે પણ અમે વાયર-કેબલ બનાવીને આપીએ છીએ.’
‘એ સિવાય 50 ટકા બિઝનેસ ફાઇટર એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી માટે છે. ભારતમાં આર્મી, વાયુસેના તેજસ, મિગ, જેગુઆર, સુખોઈ, ચિત્તા, ચેતક હેલિકોપ્ટર, ALH, LCH, LUH હેલિકોપ્ટર, ડોનીયર એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે એ બધા જ પ્રોજેક્ટ્સમાં અમે ઇલેક્ટ્રિકલ વાયર કેબલ મેન્યુફેક્ચર કરીને 30 વર્ષથી સપ્લાય કરીએ છીએ. એનું મેન્યુફેક્ચરિંગ હૈદરાબાદમાં થઈ રહ્યું છે.’
‘આ ઈન્ડસ્ટ્રીમાં અમારી સમજણ પહેલાથી હતી. જેથી અમને પહેલા દિવસથી જ ઇસરોની જરૂરીયાતનો અંદાજો હતો. કદાચ પ્રોસેસ કરવામાં એકથી બે વર્ષ થઈ જાય પણ એક વાર પ્રોડક્ટ બનાવીને આપી એ પછી એકપણ વાર રિજેક્શન નથી આવ્યું.’