Loading...

25 કરોડની લેતીદેતીમાં પૂર્વ ભાગીદારે અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યા કરાવી

અમદાવાદ શહેરમાં 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી. બીજા દિવસે આ હત્યા કેસના સગીર સહિત 3 આરોપીની રાજસ્થાનના શિરોહીથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં આ હત્યા હિંમતભાઈ રૂડાણીના પૂર્વ પાર્ટનર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બન્ને વચ્ચેની પાર્ટનરશિપ છૂટી કરવા માટે 25 કરોડની લેતીદેતીમાં મનદુખ થયું અને જેનું પરિણામ લોહિયાળ આવ્યું. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાની સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ કરી લીધી છે.

બિલ્ડરની લાશ તેની જ મર્સિડીઝની ડેકી નાખી 6 કિલો મીટર દૂર છોડી

આ હત્યા નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં કરવામાં આવી હતી. આરોપીઓ મૃતકને પહેલેથી જ ઓળખતા હતા અને તેનો પીછો કરતા હતા. મૃતક પોતાની મર્સિડીઝ સરદારધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે અને આરોપીઓ કાર નજીક પહોંચે છે. મૃતક બેઝમેન્ટમાં પરત ફરે છે ત્યારે તેની હત્યા કરી દે છે. ત્યાર બાદ આરોપીઓ મનસુખ લાખાણીને ફોટો-વીડિયો પણ મોકલ્યા હતા. ખૂની ખેલ ખેલ્યા પછી આરોપીઓ હિંમતભાઈની લાશને મર્સિડિઝની ડેકીમાં નાંખી જુદા જુદા વિસ્તારમાં ફેરવે છે, ત્યાર બાદ નિકોલ સરદારધામથી 6 કિલો મીટર દૂર આવેલા વિરાટનગર ચાર રસ્તા બ્રિજ પાસે કાર છોડીને નાસી છૂટે છે.

એક આરોપી ગાર્ડ અને એક કારખાનાનો કામદાર

આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ શીરોહી, રાજસ્થાન) અને ત્રીજામાં સગીરનો સમાવેશ થાય છે. આરોપી રાહુલ ઉર્ફે હિમાંશુ અને પપ્પુ શિરોહી નજીકના જવાહર ગામના છે. રાહુલ ઉર્ફે હિમાંશુ ગાર્ડનું કામ કરે છે અને પપ્પુ કારખાનામાં કામ કરે છે. મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે હિમાંશુ છે અને તેણે જ આખો પ્લાન ઘડ્યો હતો.

મૃતકના ફોટો વીડિયો પણ મનસુખને મોકલ્યા

મનસુખ લાખાણીએ એક વર્ષ અગાઉ સોપારી આપી હતી. જેના માટે 50 હજાર રૂપિયા આપ્યા હતા. જોકે પોલીસે મનસુખ લાખાણી ઉર્ફે જેકીની પૂછપરછ કરી તો અગાઉ સોપારી આપી હોવાની કબૂલ્યું હતું. જ્યારે હત્યા કરનાર આરોપીઓએ તાજેતરમાં ફરીથી સોપારી આપી હોવાની કબૂલાત કરી છે. આરોપીઓએ હત્યા બાદ મૃતકના ફોટો વિડિયો પણ મનસુખને મોકલ્યા હતા.

'હિંમત પટેલને પતાવી દે તો દિવાળી સુધરી જશે'

મનસુખે કબૂલાત કરી હતી કે તેણે એક વર્ષ અગાઉ પૈસાની લેતીદેતી બાબતે આરોપી હિમાંશુ તેના ત્યાં નોકરી કરતો હતો ત્યારે 50 હજાર રૂપિયા માર મારવા માટે આપ્યા હતા. પરંતુ થોડા. દિવસ અગાઉ ફરીથી હત્યા કરવા જણાવ્યું હતું. જેનાથી દિવાળી સુધરી જશે તેવું જણાવ્યું હતું. પરંતુ મનસુખ ફરીથી સોપારી આપી હોવાનું કબૂલાત કરી રહ્યો નથી.

એક વર્ષ પહેલાં હત્યા માટે આરોપીઓની હિંમત નહોતી ચાલી

મનસુખે આરોપીને જે તે સમયે મૃતક હિંમતભાઈ ક્યાં ક્યાં જાય છે તેમનું ઘર,ઓફિસ,સાઇટ સહિતની અલગ અલગ અનેક જગ્યા બતાવવા લઈ ગયો હતો. પરંતુ વર્ષ અગાઉ આરોપીની હિંમત ચાલી નહોતી જેથી તેને હત્યા કરી નહોતી.આરોપીના જણાવ્યા અનુસાર તેને 10 દિવસ અગાઉ ફરીથી મનસુખે હત્યા કરવાનું જણાવ્યું હોવાથી તેણે હત્યાનો પ્લાન બનાવી હત્યા કરી હતી. આ સમગ્ર મામલે મનસુખે આરોપીને ફરીથી સોપારી હતી કે કેમ તે મામલે તપાસ કરી રહી છે.

2024માં આરોપીના પુત્ર સામે મૃતકના પુત્રએ CIDમાં ફરિયાદ કરી હતી

મનસુખ લાખાણી અને મૃતક હિંમતભાઈ રૂડાણી પાર્ટનર હતા અને પૈસાની લેતીદેતીમાં મનદુખ થયું હતું. વર્ષ 2024માં હિંમતભાઈના પુત્ર ધવલ રૂડાણીએ તે સમયે તેના જ ભાગીદાર અને મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણી સામે છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ CID ક્રાઈમના EOW વિભાગમાં કરી હતી. જેમાં બિલ્ડરની ખોટી સહીઓ અને ઓથોરિટી લેટર પેડ ડુપ્લિકેટ બનાવી 1.50 કરોડ રૂપિયા બેંકમાંથી ઉપાડી લીધા હતા તેમજ બારોબાર દુકાનો બનાવી વેચી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે કિંજલ લાખાણી વિરુધ ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

કેન્સ કોર્નરનો વિવાદ ને સુપ્રીમ સુધી લડાઈ

ધવલ રુડાણીની વર્ષ 2020માં કિંજલ લાખાણી સાથે મિત્રતા થઈ હતી, બંને ભાગીદારીમાં નિકોલમાં રૂપિયા 3 કરોડમાં જમીન ખરીદી તેના પર કે કેન્સ કોર્નર નામથી કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બાંધવાનું નક્કી કર્યું હતું. બિલ્ડર અને ભાગીદાર કિંજલ લાખાણી વચ્ચે 50% ભાગીદારના કરાર કરવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ ધવલ અને કિંજલ લાખાણી વચ્ચે માથાકૂટ થવા લાગી હતી. વર્ષ 2020માં કિંજલ લાખાણીએ ધવલ ભાઈના પિતા સાથે મારામારી કરી હતી જે બાદ કિંજલ લાખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. તેમ છતાં કિંજલ લાખાણી રોજ સ્કીમ પર આવતો રહેતો હતો અને તમામ વહીવટ પોતાની રીતે કરવા લાગ્યો હતો.

10.30 વાગ્યે પિતા-પુત્ર સાથે સાઈટ પર ગયા હતા

આ અંગેની ફરિયાદમાં મૃતક હિંમતભાઈના પુત્ર ધવલએ જણાવ્યું કે, 13 સપ્ટેમ્બરના રોજ સવારે 10.30 વાગ્યે હિંમતભાઈ ભાટ સર્કલ પાસે સફેદ કલરની મર્સિડીઝ કાર લઈને નવા બની રહેલા તેમના ભાટ પાસેના બંગલા તરફથી રિંગ રોડ તરફ આવતા હતા. હિંમતભાઈનો પુત્ર પણ ગાડી લઈને સામેથી મળ્યો હતો, જેથી તેમના પુત્રએ ગાડી રિવર્સ લઈ ગાડી ઉભી રાખી હતી. બંને બંગલાના કામકાજ અંગે એકાદ મિનિટ જેટલી ચર્ચા કર્યા બાદ ત્યાંથી છુટા પડ્યાં હતા. બપોરના આશરે ત્રણેક વાગ્યે હિંમતભાઈના પુત્ર ધવલ રૂડાણીએ હંસપુરા ખાતે સાઈટની ઓફિસે પરત આવ્યો હતો.

પુત્રએ જમવા માટે ફોન કરતાં સ્વિચઓફ આવ્યો

બન્ને પિતા-પુત્ર જ્યારે બપોરના જમવા બેસે ત્યારે એકબીજાને ફોનથી જાણ કરી જો શક્ય હોય તો અમારી સાઇટ ઓફિસે સાથે જ જમતા હતા. જેથી ત્રણેક વાગ્યાના સમયે ધવલ પટેલે તેના પિતા હિંમતભાઈને ફોન કરતા તેમનો મોબાઇલ સ્વિચઓફ આવ્યો હતો. સાંજના પાંચેક વાગ્યે પણ મોબાઈલ નંબર ઉપર ફોન કરતા ફોન સ્વિચઓફ આવ્યો હતો. આટલા લાંબા સમય સુધી ફોન સ્વીચઓફ રાખતા ન હોવાથી ઘરે ફોન કરીને પૂછ્યું હતું, પરંતુ હિંમતભાઈ ઘરે પણ હાજર નહોતા. સાડા સાતેક વાગ્યા સુધીમાં અવાર-નવાર ફોન કરતા ફોન સ્વિચઓફ આવતો હોવાથી સગાંસંબંધીઓને પણ ફોન કર્યા હતા. ત્યાર બાદ તેમને પણ હિંમતભાઈ વિશે પૂછ્યું હતું, જોકે તેમની કોઈ ભાળ મળી નહોંતી.

શોધખોળ કરતાં હિંમતભાઈની કાર ઓવરબ્રિજ નીચેથી મળી

નિકોલ વિસ્તારમાં કે જ્યાં હિંમતભાઈ મળી આવવાની શક્યતાઓ હતી તે જગ્યાઓએ તેમનો પુત્ર ફર્યો હતો. બાદમાં તેમના અન્ય સંબંધીને જાણ કરીને શોધવા માટે નીકળ્યા હતા. નવેક વાગ્યે વિરાટનગર ચાર રસ્તાથી સોનીની ચાલી તરફ જતા હતા, ત્યારે સફેદ કલરની મર્સિડીઝ ગાડી વિરાટનગર ઓવરબ્રિજ નીચેના પાર્કિગમાં પાર્ક કરેલી હોવાથી ગાડીમાં તપાસ કરતા ગાડીમાં કોઇ દેખાયું નહીં અને ગાડી લોક કરેલી હતી.

કારની અંદર લોહીના ડાઘાવાળો રૂમાલ મળ્યો, તપાસ કરતાં ડેકીમાં મૃતદેહ હતો

બાદમાં આજુબાજુમાં અને લોકોની પૂછપરછ કરી હતી, જ્યારે ગાડીમાં અંદર જોયું તો લોહીના ડાઘ વાળો રૂમાલ જોવા મળ્યો હતો, જેથી તેઓ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ ગાડીની ચાવી ઘરેથી મંગાવી હતી. ગાડી ખોલી અને ત્યારબાદ ત્યાં જોતા રૂમાલ પડ્યો અને પાછળના ભાગે મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેથી આ બાબતે જ્યારે ગાડીની ડેકી ખોલીને જોતા તેમાં હિંમતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

રાજ્યનાં 4 મોટાં શહેરમાં 5 મહિનામાં સૌથી વધુ હત્યા અમદાવાદમાં થઈ

રાજ્યનાં અન્ય ત્રણ મોટાં શહેરોની તુલનામાં અમદાવાદમાં આ વર્ષે પહેલા 5 મહિનામાં સૌથી વધુ હત્યા નોંધાઈ છે. 2024ની તુલનામાં ચાલુ વર્ષે શહેરમાં હત્યાની ઘટનામાં વધારો થયો છે. જ્યારે ગત વર્ષ કરતાં સુરત અને વડોદરામાં હત્યાની ઘટના ઘટી છે.