યુદ્ધવિરામના ભંગ બદલ ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં મધ્યસ્થી કરીને યુદ્ધ વિરામની જાહેરાત કર્યાની મિનિટોમાં બન્ને દેશે એક બીજા પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલો અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આંચકારુપ હતો, કારણ કે તેમણે આગળ આવીને બન્ને દેશ વચ્ચે સીઝ ફાયરની વાત કરી હતી. જો કે ટ્રમ્પના દાવાની વચ્ચે એક દેશે બીજા દેશ પર મિસાઈલ મારો કરીને સીઝ ફાયરની એસીતૈસી કરી નાખી હતી.
આ હુમલાથી ભારે વ્યથિત થયેલા ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું, “ઈઝરાયલ, તે બોમ્બ ન ફેંકે. જો એવુ કરશો, તો તે એક મોટું ઉલ્લંઘન છે. તમારા પાઇલટ્સને તાત્કાલિક ઘરે પાછા બોલાવો.” ટ્રમ્પે કહ્યું, “મને ગમ્યું નહીં કે ઇઝરાયલે યુદ્ધવિરામ માટે સંમત થયા પછી તરત જ હુમલો કર્યો.”
ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલે અગાઉ આરોપ લગાવ્યો હતો કે ઈરાન યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરે છે, પરંતુ ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા હતા. યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન ક્યારેય તેનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરશે નહીં. તેમણે કહ્યું હતું કે તેઓ ઈરાનથી ખુશ નથી, અને ઇઝરાયલને આપી ચેતવણી છે.
ઇઝરાયલ-ઈરાન યુદ્ધવિરામમાં કતારની મહત્વપૂર્ણ ભૂમિકા
ઈરાન કહે છે કે જ્યારે બીયરશેવા શહેર પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેણે છેલ્લી મિસાઈલ ચલાવી હતી અને આ યુદ્ધવિરામની જાહેરાત થાય તે પહેલાંની ઘટના હતી. ઈરાની પક્ષે તેને સ્વ-બચાવ પગલું ગણાવ્યું હતું અને યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરવાનો ઇનકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં કતારની ભૂમિકા પણ મહત્વપૂર્ણ હતી.
અહેવાલ મુજબ, યુએસ પ્રમુખ ટ્રમ્પે કતારના અમીર સાથે ફોન પર વાત કરી હતી અને તેમને વિનંતી કરી હતી કે તેઓ ઈરાનને યુએસ સમર્થિત યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકારવા માટે મનાવશે.
આ કોલ પછી, કતારના વડા પ્રધાને પહેલ કરી અને ઈરાનને આ પ્રસ્તાવ માટે સંમત થવા માટે રાજી કર્યા હતા.
એક અમેરિકન અધિકારીએ મીડિયાને જણાવ્યું, “કતારના અમીરે ઈરાનને અમેરિકા સમર્થિત યુદ્ધવિરામ પ્રસ્તાવ માટે સંમત કરાવ્યું હતું. ટ્રમ્પ અને કતારના અમીર વચ્ચેની વાતચીત પછી આ પહેલ કરવામાં આવી હતી.” આ સ્પષ્ટ કરે છે કે કતારએ આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ મધ્યસ્થી ભૂમિકા ભજવી હતી.
ઈઝરાયલ-ઈરાન ઝડપી હુમલાઓનો સામનો કરી રહ્યા હતા
આ યુદ્ધવિરામ એવા સમયે થયો જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તીવ્ર હુમલાઓ થઈ રહ્યા હતા, જેમાં બંને પક્ષોએ એકબીજાના લશ્કરી અને વ્યૂહાત્મક ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. અમેરિકા દ્વારા તાજેતરના બોમ્બમારા હુમલાઓ પછી તણાવ વધુ વધી ગયો હતો. હવે, જ્યારે યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે, ત્યારે તેના પરનો વિવાદ પણ એટલો જ તીવ્ર છે. ટ્રમ્પના આ નિવેદનથી ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ચર્ચા શરૂ થઈ છે.