આજે મેઘરાજા ગાજવીજ સાથે દ.ગુજરાત-સૌરાષ્ટ્રને ઘમરોળશે
ગુજરાતમાં સપ્ટેમ્બર, 2025ની શરૂઆતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે આજથી સોમવાર (15 સપ્ટેમ્બર)થી આગામી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યના 8 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે વરસાદની સંભાવનાને લઇને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠામાં વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
17 સપ્ટેમ્બર સુધીમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, આગામી 16 સપ્ટેમ્બર સુધી ગુજરાતના તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 17 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અમુક વિસ્તારોમાં 2થી 5 ઈંચ વરસાદ વરસી શકે એવી સંભાવના છે.
આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 15 સપ્ટેમ્બરના રોજ વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તેમજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી.
3 દિવસ મેઘગર્જનાની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 3 દિવસ મેઘગર્જનાની આગાહી છે તો બીજી તરફ ત્રણ દિવસો દરમિયાન 30-40 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત રાજ્યમાં સામાન્ય કરતા 27 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતા 33 ટકા વધુ વરસાદ નોંધાયો છે તો અમદાવાદમાં 25 ડિગ્રી સુધી તાપમાન રહેશે એવી આગાહી કરવામાં આવી છે.