વડોદરામાં તલાટીની પરીક્ષામાં મોબાઈલ સાથે ઉમેદવાર ઝડપાયો:પ્રશ્નપત્ર-OMR શીટ જપ્ત કરી ગેરરીતિ બદલ ફરિયાદ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત મહેસૂલ તલાટી વર્ગ-3ની પરીક્ષા દરમિયાન વડોદરાના એસ.ડી.પટેલ વિદ્યાલય ખાતે ગેરરીતિનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પરીક્ષાર્થી પરીક્ષા દરમિયાન પોતાની પાસે મોબાઈલ સાથે સુપરવાઇઝરે ઝડપી લેતા પોલીસે કાર્યવાહીના ભાગ રૂપે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઈલેક્ટ્રોનિક ઉપકરણોની પરીક્ષામાં સખત મનાઈ
પરીક્ષા દરમિયાન મોબાઈલ રાખનાર પરીક્ષાર્થી સામે પરીક્ષા કેન્દ્રના સંચાલક કમલ ચીમનભાઈ પટેલ દ્વારા બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, તલાટી પરીક્ષા દરમિયાન તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન અને સ્કેનિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું. પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લૂટૂથ, કેમેરા, લેપટોપ જેવા કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો કે પરીક્ષા સંબંધિત સાહિત્ય લઈ જવા પર સખત મનાઈ હતી. આ અંગે લાઉડસ્પીકર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
ઉમેદવારનું પ્રશ્નપત્ર અને OMR શીટ જપ્ત કરાઈ
પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં બેઠક ઉમેદવાર સંજયકુમાર રંગીતભાઈ બારીયા (રહે. નાના આંબલિયા, પો. મેથાણ, તા. સિંગવડ, જિ. દાહોદ)ના મોબાઈલ ફોનમાં રિંગ વાગતાં વર્ગ નિરીક્ષક જયસ્વાલ સોનલબેન દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઉમેદવાર પાસેથી એક કીપેડવાળો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ વર્ગ નિરીક્ષક દ્વારા કમલ પટેલને કરવામાં આવી હતી. GSSSBની SOP ગાઈડલાઈન મુજબ ગેરરીતિ આચરતા પકડાયેલા ઉમેદવાર સંજયકુમારનું પ્રશ્નપત્ર અને OMR શીટ જપ્ત કરવામાં આવ્યા હતા.
ત્યારે સવાલ થાય છે કે, ઉમેદવારોનું સ્કેનિંગ કરવામાં આવે છે, છતાં મોબાઈલ કઈ રીતે ઉમેદવાર લઈ ગયો તે સૌથી મોટો સવાલ છે.
