ગુજરાતમાંથી બે દિવસ વહેલું ચોમાસું વિદાય લેશે?:19 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની ચેતવણી
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 15 સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. રાજ્યમાં આગામી 5 દિવસ એટલે કે 15 સપ્ટેમ્બરથી લઈને 19 સપ્ટેમ્બર સુધી માટે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. નવરાત્રિમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
18-19 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી
સૌરાષ્ટ્રમાં પણ 15 સપ્ટેમ્બર અને પછીના દિવસે 18 અને 19 સપ્ટેમ્બર માટે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. હાલમાં ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા પશ્ચિમ દિશાથી છે અને પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાકની છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 12 કલાક માટે પવનની દિશા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાં રહેશે અને પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે.
15 સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય 26.14 ઈંચ વરસાદ વરસ્યો
હાલમાં, સિનોપ્ટિક પરિસ્થિતિ પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની ટ્રફલાઈન શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના કેટલાક ભાગો પંજાબના કેટલાક ભાગો અને ગુજરાતમાંથી બે દિવસ વહેલું ચોમાસું વિદાય લેશે. હાલમાં, એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 836.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને 15 સપ્ટેમ્બર સુધીનો સામાન્ય વરસાદ 663.9 મિલીમીટર છે, જે સામાન્ય કરતાં 26% વધુ છે.
