Loading...

22મીએ અમિત શાહ રાજકોટ આવશે:સાત સહકારી સંસ્થાઓની સામાન્ય સભામાં હાજરી આપશે

રાજકોટ જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આગામી 22 સપ્ટેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાવવા જઇ રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ખાસ હાજરી આપશે અને ઉપસ્થિત હજારો સભાસદોને સંબોધન કરશે. એક સમયે આઝાદીના આંદોલનમાં ગુજરાત અસહકારની ચળવળમાં અગ્રેસર હતું. આજે વડાપ્રધાન મોદી અને દેશના પ્રથમ સહકારી મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગુજરાત સહકારી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર બન્યું છે. ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે.

રાજ્યમાં વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને હજારો કરોડનું પાક ધીરાણ મળ્યું છે. જયારે દૂધ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે અને રોજ 200 લાખ લિટરથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે અને 36 લાખ પશુપાલકોને રૂપિયા 140 કરોડથી વધુ ચુકવણી થાય છે. રાજ્યમાં દૂધ ઉત્પાદક મંડળીઓના 36 લાખ સભાસદોમાં 12 લાખ સભાસદો મહિલાઓ છે. આમ રાજ્યમાં કુલ 83 હજારથી વધુ સહકારી મંડળીઓમાં 2 કરોડ 31 લાખ સભાસદો જોડાયેલા છે.

રાજકોટના સ્વ. અરવિંદભાઈ મણિયાર તથા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાનું સહકારી ક્ષેત્રનો પાયો મજબૂત કરવામાં મોટું યોગદાન છે. સહકારી સોસાયટીઓને દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ છે. રાજ્ય કે દેશમાં સ્થાનિક સ્તરે સહકારી મંડળી-બેન્કની ભૂમિકા ખૂબ મોટી છે. નાના માણસોની મોટી બેન્ક કહેવાતી સહકારી બેન્કો નાગરિકોને મોટો આર્થિક આધાર પૂરો પાડે છે. આજે રાજ્યમાં સેવા સહકારી મંડળી, ક્રેડિટ મંડળી, મત્સ્ય મંડળી, સખી મંડળ વગેરે દ્વારા અનેક ખેડૂતો, શ્રમિકો સહિતના લોકો આર્થિક રીતે સમૃદ્ધ થયા છે. રાજકોટ જિલ્લા સહકારી બેન્ક તથા રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ખેડૂત તથા પશુપાલકો માટેની વિવિધ કલ્યાણકારી કામગીરીઓથી રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ સહકારના ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે. આ સંસ્થાઓ આજે જનતામાં વિકાસનું પ્રતિક બનીને ઊભરી છે.

રાજકોટ જિલ્લા દૂઘ સંઘે 60,590 દૂધ ઉત્પાદકોની જન્માષ્ટમી ભાવફેર વધારાની રકમ જાહેર કરીને સુધારી દેવામાં આવી હતી. આ રકમ ડાયરેકટ દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવા પણ વ્યવસ્થા ગોઠવીને 60,590 સદસ્યોને રૂ.60 કરોડની ચુકવણી કરી દેવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા સહકારી આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલી 821 દૂધ મંડળીના 60,590 દૂધ ઉત્પાદકોના બેન્ક એકાઉન્ટમાં 60 કરોડ જેટલી રકમ જમા કરાવવામા આવી હતી. વર્ષ 2024-25માં રાજકોટ જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા 1142 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 80 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. જે અંતર્ગત 60 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોના બેંક એકાઉન્ટમાં દૂધ ભાવ ફેરના ચૂકવવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકો દ્વારા પ્રતિ દિવસ અંદાજિત 4.50 લાખ લીટર દૂધ ઉત્પાદિત કરીને ડેરીને સોંપવામાં આવે છે અને વર્ષ દરમિયાન 16 કરોડ લીટરથી પણ વધુ દૂધની આવક રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને થાય છે.

છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ ડેરીને 200 કરોડનો નફો થયો છે. દૂધ ઉત્પાદકોને ભાવ ફેરના 117 કરોડથી પણ વધુની રકમ ચૂકવવામાં આવી છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ગ્રામ્ય કક્ષાએ દૂધ ઉત્પાદકોની સંખ્યામાં વધારો થાય તેમજ દૂધની આવકમાં પણ વધારો થાય તે હેતુથી 60 કરોડ રૂપિયા જેવી રકમ દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી. જયારે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને વર્ષ 2023-24માં રૂપિયા 39 કરોડથી પણ વધુનો નફો થયો હતો. ત્યારે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા નફામાંથી 21.97 કરોડ એટલે કે અંદાજિત 22 કરોડ જેટલી રકમ ભાવફેર તરીકે દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓ

(1) રાજકોટ ડિસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંક લી. (2) રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી (3) રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી (4) રાજકોટ જિલ્લા સહકારી સંઘ, (5) રાજકોટ જિલ્લા કો-ઓપ. કોટન માર્કેટીંગ યુનિયન લી. (6) રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રા. લી. (7) રાજકોટ ડિસ્ટ્રીકટ કો.-ઓપ. બેંક લી. કર્મચારી મંડળી