દેહરાદૂનના સહસ્રધારામાં આભ ફાટ્યું, ટપકેશ્વર મંદિર ડૂબી ગયું:2 ફૂટ કાટમાળ ભરાયો
સોમવારે મોડી રાત્રે ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત સહસ્ત્રધારા ખાતે વાદળ ફાટ્યું હતું. ભારે વરસાદને કારણે તમસા નદીમાં આવેલા પૂરમાં બે લોકો ગુમ થયા હતા, જ્યારે અનેક વાહનો તણાઈ ગયા હતા. ઘણી દુકાનોને નુકસાન થયું હતું.
રાત્રે પડેલા વરસાદ બાદ હિમાચલ પ્રદેશના મંડીના ધરમપુર બસ સ્ટેન્ડમાં પણ કાટમાળ ભરાઈ ગયો હતો. ઘણી બસ પૂરમાં તણાઈ ગઈ હતી. રાજ્યમાં 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ છે. 493 રસ્તાઓ પર વાહનવ્યવહાર ઠપ્પ છે.
મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદથી રેલવે ટ્રેક, સબવે અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. વાયુસેનાએ બીડમાં 11 ગ્રામજનોને એરલિફ્ટ કર્યા.
વરસાદ અને પૂરની ચેતવણીને કારણે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોમાં શાળાઓ બંધ રહી. જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના કલાબન ગામમાં ભૂસ્ખલનને કારણે અનેક ઘરોને નુકસાન થયું.