Loading...

1થી 5 ઈંચ વરસાદમાં જ AMCની પોલ ખુલી:અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં જળબંબાકાર

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સાંજે 7 વાગ્યા બાદ મેઘરાજાએ 20-20 અંદાજમાં બેટિંગ કરતા ત્રણ કલાકમાં જ પાણી-પાણી કરી દીધું છે. શહેરના મણિનગર, ખોખરા, વસ્ત્રાલ, ઓઢવ, ચાંદખેડા, નિકોલ સહિતના વિસ્તારોમાં સરેરાશ દોઢ ઈંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે કામ ધંધેથી ઘરે પરત ફરી રહેલા લોકો રસ્તામાં જ ફસાયેલા જોવા મળી રહ્યા છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા ત્રણ સ્થળો પર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકાનગર પાસે એક યુવક ખાડામાં પડ્યા બાદ ગુમ થતા ફાયરબ્રિગેડે શોધખોળ શરૂ કરી છે. સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો જ્યારે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ વરસાદ વરસતા અનેક લોકો ફસાયા હતા.

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના નર્મદા કેનાલમાં ડૂબી જતા મોત નિપજ્યા છે. બંને મિત્રો કેનાલ પર ફરવા ગયા બાદ કોઈ કારણોસર ડૂબી જતા મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતકમાં એક વિદ્યાર્થી સુરત અને બીજો જામનગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા જામનગરના પ્રેમ પ્રવીણભાઈ માતમ અને સુરતનો આદિત્ય રામકૃષ્ણના નર્મદા કેનાલમાં ડૂબી જતા મોત નિપજ્યા છે. બંનેના મૃતદેહોને બહાર કાઢી ગોત્રી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. વડોદરા તાલુકા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં 20 ટકા વધુ વરસાદ 

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાજ્યમાં સરેરાશ 20 ટકા વરસાદ વધુ વરસી ચૂક્યો છે. ગત વર્ષે રાજ્યમાં ચોમાસાનું વહેલું આગમન થયા બાદ પણ 25 જૂન 2024 સુધીમાં રાજ્યમાં સરેરાશ 4.82 ટકા વરસાદ (1.67 ઈંચ) નોંધાયો હતો. તેની સામે આ વર્ષની વાત કરીએ તો, 25 જૂન 2025 સુધીમાં રાજ્યમાં સરેરાશ 24.25 ટકા વરસાદ ( 8.42 ઈંચ) નોંધાઈ ચૂક્યો છે. એટલે કે, ગત વર્ષની સરખામણીએ આજદિન સુધીમાં રાજ્યમાં સરેરાશ 20 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

દ.ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી 

હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગમી 5 દિવસ પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. જ્યારે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી, અમરેલી અને ભાવનગરમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.