મોદી સ્ટેડિયમમાં મેગા રક્તદાન કેમ્પનો શુભારંભ:ફિલ્મ એક્ટર વિવેક ઓબેરોયે રક્તદાન કર્યું
આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિતે સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા- અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (ABTYP) અને અલગ-અલગ 50 સંસ્થા સાથે મળીને રક્તદાન અમૃત મહોત્સવ 2.0" અંતર્ગત અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એક જ દિવસમાં 5 લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે. સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી એમ 12 કલાક આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.
એકસાથે ભારત અને 75થી વધુ દેશોમાં 7500થી વધુ રક્તદાન કેમ્પ યોજાશે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક લોકો પણ આ બ્લડ કેમ્પમાં હાજરી આપશે. ભારત અને 75થી વધુ દેશોમાં 7500થી વધુ રક્તદાન કેમ્પનું એકસાથે આયોજન કર્યું છે. જો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા માટે અને કોલ્ડ પ્લે માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય તો આ બ્લડ કેમ્પમાં પણ મોટી સંખ્યામાં અમદાવાદીઓ આવશે. મેગા બ્લડ કેમ્પમાં જે બ્લડ એકત્રિત કરવામાં આવશે એ ગુજરાતની તમામ બ્લડ બેંકોમાં મોકલવામાં આવશે અને ત્યાંથી પ્રોસેસ કરીને જે પણ વ્યક્તિને આ બ્લડની જરૂર હશે એ બ્લડ પહોંચાડવામાં આવશે. ગુજરાતમાં 200થી વધારે બ્લડ બેંકો છે ત્યારે વડોદરા, સુરત, રાજકોટ વગેરે બ્લડ બેંકો આમાં જોડાશે.
'એક ફોનથી તમામ લોકોને રક્ત મળી રહે એવું આયોજન કર્યું'
અમદાવાદના દરેક નાગરિકને આ રક્તદાન મહોત્સવમાં જોડાઈને ઇતિહાસ રચવાનો પણ અવસર છે. પ્રથમ વખત રક્તદાન કરનારાઓ માટે આ ઐતિહાસિક ક્ષણ છે, જેઓ જ્યાં તેઓ પોતાનું પ્રથમ રક્તદાન યાદગાર બનાવી અન્ય કોઈ અજાણ્યા જીવમાં પ્રકાશ પાથરી શકે છે. આયોજન કરવા પાછળનો હેતુ દરેક લોકોને જરૂર પડે ત્યારે રક્ત મળી રહે એ માટેનું છે. એકમાત્ર ફોનથી તમામ લોકોને રક્ત મળી રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યાં કેમ્પ રાખ્યો છે ત્યાંથી લઈ આવવાની અને મૂકી જવાની વ્યવસ્થા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પાર્કિંગમાંથી જ્યાં કેમ્પ રાખવામાં આવ્યો છે ત્યાં લાવવા-લઈ જવા માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. સ્ટેડિયમમાં ઉપર પ્રવેશવાની સીડી અને પિલરનો ભાગ છે ત્યાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકોને બ્લડ આપવાનું છે તેમના માટે ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે કોઈપણ ઈમર્જન્સી થશે તો તેના માટેની પણ વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારનો પણ ખૂબ સારો અમને સહકાર મળી રહ્યો છે. તમામ યુવાઓને આ રક્તદાન કેમ્પમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે.