Loading...

રાજકોટ અને મોરબી: IT રેડના પ્રથમ દિવસે જ 3 કરોડની રોકડ મળી

રાજકોટ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આ વર્ષનું સૌથી મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મોરબીના લેવિસ અને મેટ્રો સિરામિક ગ્રૂપના 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રાજકોટ સહિત ગુજરાતનાં 250 જેટલા અધિકારીઓ, ટેકનીકલ ટીમ સાથે પોલીસ કાફલો જોડાયો છે ત્યારે પ્રથમ દિવસે જ રૂ. 3 કરોડની બિનહિસાબી રોકડ રકમ મળી આવી હોવાનું સામે આવ્યું છે. ટાઇલ્સમાં ઓછો પ્રોફિટ બતાવી આ સિરામિક અને કન્સ્ટ્રક્શન ગ્રૂપ આઈટી વિભાગની રડારમાં આવ્યુ હતું. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લા પાંચ મહિનાના હિસાબો ચકાસવામાં આવ્યા હતા અને તેમાં મોટી ટેક્સ ચોરી ખૂલી હતી. જોકે મંગળવારથી શરૂ કરેલું સર્ચ ઓપરેશન આખું અઠવાડિયું ચાલે તેવું આઈ.ટી. વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

ગઇકાલથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે

સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ ઈન્વેસ્ટિગેશન વિંગના જોઇન્ટ કમિશનરના નેતૃત્વમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. ગઈકાલે(16 સપ્ટેમ્બર) વહેલી સવારે મોરબીમાં નીચી માંડલ પાસે આવેલ લેવિસ, લીવા, મેટ્રો, મોર્ડન, ઇડનહિલ ગ્રૂપની ફેક્ટરી, બંગલો, ઓફિસ તેમજ રાજકોટમાં નાનામવા રોડ સહિત 40 જેટલી પ્રીમાઇસીસ પર દરોડા સાથે તપાસનો ઘમધમાટ શરૂ થયો હતો. મુખ્ય તપાસમાં ધીરુભાઈ રોજમાળા, જીતુભાઈ રોજમાળા, મોરબીમાં બાંધકામ ક્ષેત્રે જોડાયેલા અને સિરામિક એસો.નાં પૂર્વ પ્રમુખ રાજુભાઈ ધમાસણા સહિત તેના ભાગીદારો અને એકાઉન્ટન્ટ્સ રડાર પર આવ્યાં છે.

રાજકોટમાં રહેતા ભાગીદારને ત્યાંથી 3 કરોડની રોકડ મળી પ્રથમ દિવસે દરોડાની કાર્યવાહી શરૂ કર્યાની ગણતરીની કલાકોમાં રાજકોટમાં રહેતા ભાગીદારને ત્યાંથી 3 કરોડની રોકડ મળી આવી હતી. 40 જેટલા સ્થળોએથી કરોડોના બિનહિસાબી વ્યવહારો સાથે ગોલ્ડ,ડાયમન્ડની જવેલરી આઈ.ટી.ની ટીમને મળી આવ્યું હોવાનું જાણવા મળી આવ્યું છે.રાજકોટની ટીમે છેલ્લા 5 મહિનાના આ ગ્રૂપના હિસાબી વ્યવહારોને તપાસ્યા હતા.મહિનાઓનાં હોમવર્ક પછી કરચોરી પકડવામાં સફળતા મળી છે. રાજકોટ અને મોરબીમાં સિરામિક, કોટન અને કન્સ્ટ્રકશનનાં વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રૂપ પર દરોડાથી સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ટાઇલ્સમાં ઓછો પ્રોફિટ બતાવ્યો અને ફસાયા

લેવિસ ગ્રૂપને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં આ ગ્રૂપ દ્વારા ઓછો પ્રોફિટ બતાવવામાં આવ્યો હતો. જેને લીધે ઇન્કમટેક્સ વિભાગની રડારમાં આવી ગયા હતા. જેથી આ રીતે કરોડો રૂપિયાની ટેસ્ક ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.

40 સ્થળોમાં 30 ઘરનો સમાવેશ

અત્યાર સુધીના ઈતિહાસમાં જ્યારે પણ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું હોય તો ટીમનો વધુ ફોક્સ ઓફિસ અથવા તો ફેકટરી યુનિટ હોય છે અને જૂજ પ્રિમાઈસિસ એવી હોય કે જે માલિક અથવા તો તેમના ભાગીદારોના નિવાસસ્થાનો હોય. પરંતુ આ દરોડામાં 40 સ્થળોમાંથી 30 તો ઘર જ છે જયાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આઇટીના અધિકારીઓ ડિજિટલ ડેટા મળવાની રાહમાં

આવકવેરા વિભાગના સંપર્ક સૂત્રના જણાવ્યા અનુસાર, હાલ જે દરોડા ચાલી રહ્યા છે તેમાં અધિકારીઓને એ વાતની જ રાહ છે કે, ડિજિટલ ડેટા તેમને ક્યારે મળશે. કારણ કે, જે બાતમી અધિકારીઓને મળી તે ડિજિટલ ડેટા અંગેની હોવાનું મનાઈ રહ્યું છે. પછી તે મેટ્રો ગ્રૂપ પર હોય કે લેવિસ ગ્રૂપ પરંતુ આ માહિતી આઈટીના અધિકારીઓ માટે ખૂબ મહત્વની પુરવાર થશે. જે માટે પ્રથમ દિવસથી જ આક્રમક અંદાજમાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબીના લેવીસ સિરામિક ગ્રૂપ સહિત 40 સ્થળો પર ITની રેડ

ગઇકાલથી રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 250થી વધુ અધિકારીઓની ટીમ ગઇકાલ વહેલી સવારથી મોરબીના મોટા ગજાના જમીનના ધંધાર્થી પરેશ પટેલ, બિલ્ડર રાજુભાઈ ફેસ ગ્રૂપ અને લેવીસ સિરામિકના જીતુભાઈ રોજવાડીયા ગ્રૂપ સહિત ભાગીદારો મળી 40 જેટલા સ્થળો પર દરોડા માટે ત્રાટકી છે. જ્યારે સુરતથી આવતી ટીમનો મોડી રાત્રે અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 અધિકારીઓ અને કર્મચારીઓને નાની-નોટી ઇજા પહોંચી હતી. ટાઇલ્સ બનાવતા લેવિસ ગ્રૂપ પર દરોડાથી સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. આ સર્ચ ઓપરેશનમાં સાંજ સુધીમાં મોટા પાયે બિન હિસાબી વ્યવહારો મળ્યા હતા.