Loading...

સુરત: શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર સ્કૂલના વિદ્યાર્થી પર સળિયા વડે હુમલો

સુરતમાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી છે. શહેરની શેઠ ધનજીશા રુસ્તમજી ઉમરીગર મેમોરીયલ સ્કૂલમાં થયેલા એક ઝઘડા બાદ ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12 કોમર્સમાં ભણતા એક વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનાને પગલે વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ઘટનાના 16 કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી છે. એક દિવસ પહેલાં વાલીઓએ શાળાને જાણ કરી હતી, પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે. બંને વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે.

શું હતી ઘટના?

આ ઘટના સ્કૂલમાં થયેલા એક સામાન્ય ઝઘડાને કારણે બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને આ વિવાદ અંગે જાણ થઈ, ત્યારે તે હસવા લાગ્યો. હુમલો કરનાર વિદ્યાર્થીને આ વાત પસંદ ન આવતા તેણે મનમાં વેર રાખીને બદલો લેવાનું નક્કી કર્યું હતું.

સ્કૂલથી માત્ર 100 મીટર દૂર વિદ્યાર્થી પર સળિયા વડે હુમલો

આ ઘટના બાદ જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી તેના મિત્ર સાથે સાઇકલ પર સ્કૂલથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે હુમલો કરનાર વિદ્યાર્થી રિક્ષામાં તેનો પીછો કરી રહ્યો હતો. સ્કૂલથી માત્ર 100 મીટર દૂર પહોંચતા જ રિક્ષામાંથી ઉતરીને હુમલાખોર વિદ્યાર્થીએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી પર અચાનક સળિયા વડે હુમલો કરી દીધો. આ હુમલામાં વિદ્યાર્થીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. માતા-પિતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનો સિટી સ્કેન રિપોર્ટ અને સળિયો લઈને સ્કૂલે પહોંચ્યા હતા.

વાલીઓએ ઉગ્ર વિરોધ કર્યો

આ હુમલાની જાણ થતાં જ પીડિત વિદ્યાર્થીના વાલીઓ અને અન્ય વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેઓ હાથમાં સળિયા લઈને શાળાના ગેટ પાસે એકઠા થયા અને શાળા સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી. વાલીઓએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને માગ કરી છે કે આવા હિંસક કૃત્ય કરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવામાં આવે. વાલીઓએ શેઠ ધનજીશા રુસ્તમજી ઉમરીગર મેમોરીયલ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને લેખિતમાં ફરિયાદ આપી છે. તેઓએ આ સમગ્ર મામલે જવાબદાર વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા કડક કાર્યવાહી કરવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.

ઘટનાના 16 કલાક બાદ સ્કૂલે તપાસ શરૂ કરી

મામલો સામે આવ્યાના 16 કલાક બાદ સ્કૂલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એક દિવસ પહેલાં વાલીઓ દ્વારા શાળાને જાણ કરવામાં આવી હતી, પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે. બંને વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા છે.

સ્કૂલમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોવાથી ઠેર-ઠેર સળિયા

વિદ્યાર્થી પાસે સળિયો કઈ રીતે આવ્યો, તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ વચ્ચે, દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે શાળામાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે શાળામાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અને આ કામ માટે ઠેર ઠેર સળિયા મૂકવામાં આવ્યા હતા. જે પ્રકારનો સળિયો વિદ્યાર્થી હુમલા માટે લાવ્યો હતો, તેવા પ્રકારના અનેક સળિયા શાળામાં જોવા મળ્યા હતા. અનુમાન છે કે વિદ્યાર્થી શાળાની અંદરથી જ સળિયો લઈને હુમલો કરવા નીકળ્યો હશે. આ અંગેની તપાસ શાળા દ્વારા કરવામાં આવી રહી છે.

સ્કૂલે બંને વિદ્યાર્થીના વાલીઓેને બોલાવ્યા

બીજી બાજુ, શાળાના પ્રિન્સિપાલ વિલાસ પાઠકે જણાવ્યું હતું કે, “અમને વાલી તરફથી ફરિયાદ મળી છે. અમે બંને વિદ્યાર્થીઓના વાલીને બોલાવ્યા છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તપાસ પછી જ શું છે તે અંગેની ખબર પડશે.