AAPના ઉમેશ મકવાણા ધારાસભ્યપદેથી રાજીનામું આપશે:પ્રેસ-કોન્ફરન્સમાં સંબોધન કરશે
ગુજરાતમાં તાજેતરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયાની જીતની ખુશી આમ આદમી પાર્ટી મનાવી રહી છે, ત્યારે આ જીતની ખુશી વચ્ચે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે. આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાનું સામે આવ્યું છે અને આજે બપોરે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈપણ ધારાસભ્યોના ફોન ઉપાડી રહ્યા નથી.
ઉમેશ મકવાણા ધારાસભ્યપદેથી રાજીનામું આપશે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી સામે મોરચો ખોલી શકે છે. આજે બપોરના સમયે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરશે. તેઓ કયા કારણે પાર્ટીથી નારાજ છે તે પ્રેસ કોન્ફરન્સમાં જણાવી શકે છે. તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.આ અગાઉ પણ ઉમેશ મકવાણાના રાજીનામાની ચર્ચાઓ શરૂ થઈ હતી. તે સમયે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણાં સમયથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોમાં જોવા નહોતા મળતાં.
ઉમેશ મકવાણાને બોટાદ બેઠક પરથી ટિકિટ આપી હતી
આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી. ઉમેશ મકવાણાએ ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતાં. ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતાં. જેમાં તેમનો પરાજય થયો હતો.
કોણ છે ઉમેશ મકવાણા?
ઉમેશ નારણ મકવાણા આમ આદમી પાર્ટીના રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ 8 ડિસેમ્બર 2022થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ઉમેશ મકવાણાનો જન્મ ગુજરાતના બોટાદમાં થયો છે. તેમના પિતાનું નામ નારણ મકવાણા છે. ઉમેશ મકવાણાએ પ્રાથમિક અને માધ્યમિક શાળા શરુ કરી છે.
વિસાવદરની બેઠક પરથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું. જેની તાજેતરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા છે અને હવે ઉમેશ મકવાણા રાજીનામું આપવાના છે. જેના કારણે આમ આદમી પાર્ટીમાં હવે ચાર ધારાસભ્ય રહેશે.
વિવાદોમાં પણ સપડાયેલા છે
ઉમેશ મકવાણા હાલ કાયદાકીય સકંજા અને વિવાદોમાં પણ સપડાયેલા છે. બોટાદ જિલ્લામાં દારૂના ધંધાર્થી પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ કાર્યવાહી કરી ત્યારે ઉમેશ મકવાણાએ તેમની પાર્ટીના એક સભ્ય શૌકત સૈયદ મૌલાનાને એટ્રોસિટી એક્ટ જેવા ગુનામાં છોડાવવા બોટાદ એસપીને ફોન કરી ધમકી આપી હોવાનું ખુદ વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. જોકે ઉમેશ મકવાણાએ ત્યારે વળતો એવો હુંકાર કર્યો હતો કે સરકાર પાસે CBI-LCB જેવી તપાસ એજન્સીઓ છે. જો આ વાત સત્ય સાબિત થશે તો હું ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેવા તૈયાર છું. આ ઉપરાંત તેમના પૂર્વ PA અજય જમોડે લોકસભાની ચૂંટણી દરમિયાન ખર્ચ કરેલા 13 લાખ રૂપિયા પાછા ન આપતા હોવાની તેમજ ધમકી આપતા હોવાની ઉમેશ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.