Loading...

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત મોકૂફ, હવે આવતીકાલે આવે એવી શક્યતા

ગુજરાતમાં 30 વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસને બેઠી કરવા હવે રાહુલ ગાંધી મેદાને પડ્યા છે. એના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર-જિલ્લા કોંગ્રેસ-પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે. સ્થાનિક નેતાઓને માર્ગદર્શન આપવા માટે 12 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ આવ્યા હતા. તેમણે 41 શહેર અને જિલ્લા-પ્રમુખોના 4 કલાક નેતાઓના ક્લાસ લીધા હતા. હવે ફરીવાર આજે તેઓ આ શિબિરમાં ભાગ લેવા આવવાના હતા, જોકે દિલ્હીમાં હવામાન ખરાબ હોવાથી તેમની ફ્લાઇટ ટેક ઓફ થઈ શકી નહોતી. હવે તેમની આજની મુલાકાત રદ થઈ છે. હવે તેઓ આવતીકાલે આવે એવી શક્યતા છે.

આ શિબિરમાં ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પુંજાભાઈ વંશ ગેરહાજર રહ્યા છે. પુંજાભાઈ વંશ દ્વારા પ્રથમ દિવસે હાજરી આપવામાં આવી હતી. જોકે છેલ્લા આઠ દિવસથી પૂજા વંશ સતત ગેરહાજર જોવા મળી રહ્યા છે.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બંને ગેરહાજર પ્રમુખનો બચાવ કર્યો હતો અને સામાજિક કારણોસર બંને હાજરી આપી શક્યા નથી.

કોંગ્રેસ માટે ગુજરાત કેમ મહત્ત્વનું? ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે જો આગળ વધવું હોય તો BJPને ગુજરાતમાં હરાવવી પડશે. કોંગ્રેસ એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે.

2014 અને 2019માં લોકસભા ચૂંટણીમાં એકપણ સીટ ન મળી વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર સરેરાશ 48 ટકા મતદાન થયું હતું, જેમાં ભાજપને 47 ટકા અને કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા. 15 બેઠક પર ભાજપની જીત થઇ હતી તો 11 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. ભાજપને કોંગ્રેસ કરતાં 3.51 ટકા વધુ મળ્યા હતા. 2014ની ભાજપ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. ગુજરાતની 26 બેઠક પર સરેરાશ 64 ટકા મતદાન થયું હતું, જેમાં ભાજપને 59 ટકા અને કોંગ્રેસને 33 ટકા મત મળ્યા હતા. ભાજપે તમામ 26 બેઠક કબજે કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં 26.2 ટકા વધુ મત મળ્યા હતા. 2009માં ભાજપનો વોટ શેર 47 ટકા હતો, જે 2014માં 12 ટકા વધીને 59 ટકા થઇ ગયો.

જ્યારે 2009માં કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા, જે 2014માં 11 ટકા ઘટીને 33 ટકા થઇ ગયા. 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું, જેમાં ભાજપને 62 ટકા અને કોંગ્રેસને 32 ટકા મત મળ્યા હતા. તમામ 26 બેઠક પર ભાજપે ફરી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં 30.1 ટકા વધુ મત મળ્યા હતા. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે લાજ રાખી હોય એમ 1 સીટ મેળવી હતી.

કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દૂર

રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠક પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.

Image Gallery