અભિનેત્રી દિશા પટનીના ઘરે ગોળીબાર કરનારા ઠાર:ગાઝિયાબાદમાં STFએ એન્કાઉન્ટર કર્યું
બરેલીમાં દિશા પટનીના ઘરે ગોળીબાર કરનારા બે ગુનેગારોને ઠાર મારવામાં આવ્યા છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ બુધવારે સાંજે ગાઝિયાબાદમાં એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. તેમની ઓળખ રોહતકના રવીન્દ્ર અને સોનીપતના અરુણ તરીકે થઈ હતી. બંને ગુનેગારો રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રારની ગેંગના હતા, જેમના પર 1 લાખ રૂપિયાનું ઈનામ હતું.
યુપી STFના નોઈડા યુનિટ અને દિલ્હીમાં CI યુનિટની સંયુક્ત ટીમે ટ્રોનિકા સિટી વિસ્તારમાં ગુનેગારોને ઘેરી લીધા હતા. જોકે, ગુનેગારોએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો. જવાબમાં બંનેને ગોળી વાગી અને તેઓ જમીન પર પડી ગયા. પોલીસ ટીમ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
ઘટનાસ્થળેથી એક ગ્લોક, એક જીગાના પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા. સફેદ અપાચે મળી આવ્યું. એવું માનવામાં આવે છે કે આ તે બાઇક છે જેના પર ગુનેગારો બરેલી આવ્યા હતા અને ગોળીબાર કરીને પાછા ફર્યા હતા.
STF અનુસાર, બંને ગુનેગારો CCTVમાં કેદ થયા હતા. અરુણે સફેદ શર્ટ પહેર્યો હતો, અને રવીન્દ્રે વાદળી ટી-શર્ટ પહેરી હતી. તેમની ઓળખ કર્યા પછી તેમનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું. એન્કાઉન્ટરમાં ગોળી વાગવાથી બંનેના મોત થયા હતા. અરુણ અને રવીન્દ્ર વ્યાવસાયિક શૂટર હતા.
કાયદો અને વ્યવસ્થાના એડિશનર અમિતાભ યશે જણાવ્યું હતું કે, 'બંને ગુનેગારોની ઓળખ થયા પછી પોલીસ સાથે અથડામણ થઈ. ગુનેગારો ઘાયલ થયા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.'
રવીન્દ્ર વિરુદ્ધ હરિયાણામાં પાંચ કેસ
એડીજી અમિતાભ યશે જણાવ્યું હતું કે, રવીન્દ્ર વિરુદ્ધ હરિયાણાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પાંચ કેસ નોંધાયેલા છે. રવીન્દ્ર 20 ડિસેમ્બર, 2024ના રોજ ફતેહાબાદમાં પોલીસ એસ્કોર્ટ પર હુમલો કરીને ગુનેગાર રવિ જગસીને છોડાવવાના પ્રયાસમાં પણ સામેલ હતો. અરુણ વિરુદ્ધ અન્ય કોઈ કેસ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
ગોળીબાર સમયે અભિનેત્રી મુંબઈમાં હતી
12 સપ્ટેમ્બરના રોજ સવારે 3:30 વાગ્યે ઉત્તર પ્રદેશના બરેલીમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટનીના ઘરે ગોળીબાર કરવામાં આવ્યો. મોટરસાઇકલ પર આવેલા બે શખસો એક પછી એક બે રાઉન્ડ ગોળીબાર કર્યો. ત્યારબાદ તેઓ ભાગી ગયા.
ગોળીબાર સમયે દિશાની બહેન અને ભૂતપૂર્વ આર્મી ઓફિસર ખુશ્બુ પટની તેના પિતા, નિવૃત્ત ડીએસપી જગદીશ પટની અને તેની માતા, પદ્મા પટની ઘરમાં હાજર હતા. ગોળીબારના અવાજથી બધા ગભરાઈ ગયા. દિશા પટની મુંબઈમાં હતી.
જગદીશે તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસને ઘરની બહારથી બે ખાલી કારતૂસ મળી આવ્યા. રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રાર ગેંગે ગોળીબારની જવાબદારી સ્વીકારી. એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, 'સંત પ્રેમાનંદ મહારાજ અને કથાકાર અનિરુદ્ધાચાર્ય મહારાજ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓના રોષમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ફક્ત એક ટ્રેલર છે. જો આવી ઘટના ફરી એકવાર બનશે તો કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.'
