Loading...

ધોધમાર વરસાદથી સુરતમાં તારાજી, વેપારીઓની હાલત કફોડી બની:દુકાનોમાં 10 ફૂટ પાણી

22 જૂને રાત્રે અને 23 જૂને દિવસભર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડી પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે જેના કારણે સ્થાનિક વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે વરાછા વિસ્તારમાં 23 જૂનના રોજ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વરાછા મેઇન રોડ પર આવેલી આઇકોન ડિજિટલ નામની બેઝમેન્ટની દુકાનમાં 10 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા.

વેપારીએ જણાવ્યું હતું કે, 23 જૂનાના રોજ એકાએક જ પાણીનો નિકાલ ન થવાના કારણે સમગ્ર રોડ પર પાણી ભરાઈ ગયા હતા. મારી દુકાન બેઝમેન્ટમાં આવેલી છે. વર્ષ 2017થી હું અહીં બિઝનેસ કરું છું, અત્યાર સુધી ક્યારેય આટલું પાણી આવ્યું નથી.

મારી દુકાન બેઝમેન્ટમાં હોવાથી 10 ફૂટ સુધી પાણી ભરાયું હતું 

કોમ્પ્યુટર, પ્રિન્ટર અને તેની એસેસરીઝનો બિઝનેસ કરતા એક વેપારીએ જણાવ્યું હતું કે, પાણી દુકાનમાં ન આવે તે માટે પ્રોટેક્શન વોલ પણ બનાવી છે. આટલા વર્ષોમાં આટલું પાણી આવ્યું ન હતું. આ વર્ષે પાલિકાની પ્રિમોનસુન કામગીરી ન થઇ હોવાને કારણે જ પાણીનો નિકાલ ન થયો અને અહીં રોડ પર પણ 8થી 10 ફૂટ પાણી ભરાયું હતું. મારી દુકાન બેઝમેન્ટમાં આવી હોવાથી તેમાં પણ 8થી 10 ફૂટ સુધી પાણી ભરાયું હતું. તેના પગલે મારી દુકાનમાં લેપટોપ, પ્રિન્ટર સહિત દોઢ કરોડ રૂપિયાનો માલસામાન હતો તે તમામ પાણીમાં પલળી જવાના કારણે ટોટલ લોસ થયો છે.

બે દિવસ સુધી પાણીમાં પલળવાના કારણે તમામ સ્વાહા થઈ ગયું 

બે દિવસ સુધી દુકાનનું શટર પણ ખોલ્યું ન હતું. આજે ઇન્સ્પેક્શન માટે આવતા શટર રીતસર તોડવું પડ્યું હતું. અંદર જતા તમામ લેપટોપ, પ્રિન્ટર અને ફર્નિચર સહિતનો તમામ સમાન ખરાબ થઈ ગયો હતો. બે દિવસ સુધી પલળવાના કારણે તમામ સ્વાહા થઈ ગયું હતું. મારે જ 1.5 કરોડ જેટલું નુકસાન થયું છે. આ સાથે જ આ રોડ ઉપર આવેલા અન્ય એક દુકાનદારને પણ એક અંદાજ પ્રમાણે 10થી 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ રોડ પરની તમામ દુકાનોમાં આ વર્ષે જ આટલું બધુ પાણી ભરાયું હતું.

પ્રિમોનસુન કામગીરી કરી હોત તો પાણી ભરાવાની નોબત જ ન આવતી 

પાલિકા દ્વારા પ્રિમોનસુન કામગીરી જે કરવામાં આવે છે તે સરખી રીતે કરવામાં આવી ન હતી. જેના કારણે વરસાદ થયો અને પાણીનો નિકાલ થવો જોઇએ તે થયો ન હતો અને રસ્તાઓ પર પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા. જો પાલિકાના અધિકારીઓ દ્વારા પ્રિમોનસુન કામગીરી સરખી રીતે કરવામાં આવી હોત તો આ પાણી ભરાવાની નોબત જ આવી ન હતો અને લોકોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો ન આવ્યો હતો. તેથી પાલિકાની બે હાથ જોડીને વિનંતી છે કે, હવે કામગીરી સરખી રીતે કરવામાં આવે અને આજે લોકોને આર્થિક નુકસાન થયું છે તેમને સહાય પણ કરવામાં આવે.

'અમારું મન જ જાણે છે કે અમારી સ્થિતિ શું છે' 

દુકાનદારે પોતાની દુકાનમાં અંદર જઈને જે લેપટોપ અને પ્રિન્ટર હતા તેમના અંગે જણાવ્યું હતું કે, એક લાખ, દોઢ લાખના જે લેપટોપ હતા તે હાલ પાણીમાં નીતરતી હાલતમાં છે. દુકાનની અંદરનો તમામ માલસામાન એકદમ ખરાબ થઈ ગયો છે. આ તમામ ચીજવસ્તુઓના અમે પુરા રૂપિયા ચૂકવ્યા છે અને આ નીતરતી હાલતમાં જોઈ અમારું મન જ જાણે છે કે અમારી સ્થિતિ શું છે.

રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ પાણીમાં ગરકાવ થતાં વેપારીઓને કરોડોનું નુકસાન 

સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. ભારે વરસાદને કારણે શહેરના રિંગ રોડ સ્થિત આવેલી ટેક્સટાઈલ માર્કેટની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં, જે પૈકી રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ઘૂસી જતાં દુકાનોમાં રહેલો માલ પલડી ગયો હતો. એના પગલે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. બેઝમેન્ટમાં આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ભારે હાલાકી સર્જાઈ હતી. દુકાનોમાં પાણી ભરાઈ જવાના કારણે મોટા ભાગની સાડીઓ પલડી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલ સાડીઓના માર્કેટમાં તેજીનો માહોલ છે, જેના કારણે મોટા ભાગના વેપારીઓએ પોતાની દુકાનોમાં મોટા પ્રમાણમાં માલ ભરીને રાખ્યો હતો.

વેપારીઓને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર સહિતનાં રાજ્યોમાંથી સાડીના મોટા ઓર્ડરો મળ્યા હતા, જોકે વરસાદી પાણીના કારણે સાડીનો માલ પલડી જતાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એને પગલે વેપારીઓ દુઃખી જોવા મળ્યા હતા. વેપારીઓ પલડી ગયેલા સાડીના જથ્થાને બહાર કાઢી રહ્યા છે અને નુકસાનનો અંદાજ લગાવી રહ્યા છે. આ ઘટનાથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.

ખાડી પૂરના કારણે વેપારીઓનો મોટું નુકસાન 

વર્ષોથી સુરતના સીમાડા વિસ્તારમાં ખાડી પૂરનો પ્રશ્ન વણઉકેલ્યો છે. દર વર્ષે ચોમાચામાં આ સમસ્યા સર્જાય છે અને વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડે છે. સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે, નેતાઓ માત્ર મુલાકાત લઇને જતા રહે છે, પરંતુ નુકસાનીના વળતર અંગે કોઈ નક્કર પગલાં લેવાતા નથી.

નુકસાનીના વળતર અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા વેપારીઓની માંગ 

વેપારીઓ દ્વારા તંત્રને નુકસાનીના વળતર અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. તેમને આશા છે કે, આ વખતે સરકાર અને સ્થાનિક તંત્ર તેમની વેદના સાંભળીને વહેલી તકે યોગ્ય વળતર ચૂકવશે. આ ઉપરાંત ખાડી પૂરના કાયમી નિરાકણર માટે પણ નક્કર પગલાં લેવાત તેવી તેમની અપેક્ષા છે.