નવરાત્રિમાં ટપોરીઓની ખેર નથી, બહેન-દીકરીઓ માટે SHE ટીમ રહેશે ખડેપગે:ચાર મેગા સિટીમાં 4,000 સ્થળે ગરબા
દુનિયાભરમાં પ્રખ્યાત એવા ગુજરાતના ગરબા, એટલે કે નવરાત્રિને આડે ફક્ત ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફુલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે એ પ્રકારે પાર્ટીપ્લોટ અને ગરબા ગ્રાઉન્ડનાં પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઈટો ફરજિયાત લગાવવામાં આવશે. તેમજ શી ટીમ (SHE Team) ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકો પર ચાંપતી નજર રાખશે. જેથી હવે નવરાત્રિમાં ટપોરીઓની ખેર નથી. ગુજરાતના ચાર મેગા સિટીમાં 4,000થી વધુ સ્થળે ગરબા યોજાશે. ત્યારે પોલીસ પણ જરાય કાચું ના કપાય તે માટે સજ્જ જોવા મળી રહી છે.
અમદાવાદમાં 61 ગરબા આયોજકોએ પોલીસમાં અરજી કરી
22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન વિવિધ પાર્ટી પ્લોટો ક્લબમાં મોટાપાયે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા માટે આવતા હોય છે. અમદાવાદ શહેરમાં નવરાત્રિને લઈને 61 ગરબા આયોજકોએ પોલીસમાં અરજી કરી છે. જ્યારે ફાયર એનઓસી મેળવવા માટે માત્ર 8 લોકોએ અરજી કરી છે. અમદાવાદ શહેર પોલીસમાં 61 અરજીઓ આવેલી છે જેને જે તે સંલગ્ન પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવે છે.
સ્થાનિક પોલીસ-ટ્રાફિક પોલીસના અભિપ્રાય બાદ ફાયર એનઓસી ફરજિયાત
સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસના અભિપ્રાય આવ્યા બાદ ફાયર એનઓસી સર્ટિફિકેટ ફરજિયાત છે જે સર્ટીફીકેટ આવ્યા બાદ શહેર પોલીસ દ્વારા ગરબા આયોજકને ગરબા કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે. શહેર પોલીસને 61 અરજીઓ મળી છે જેના ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજુ સુધી એક પણ ગરબા આયોજકને મંજૂરી આપવામાં આવી નથી.
‘સ્થળ તપાસ બાદ ફાયર એનઓસી અપાશે’
અમદાવાદ શહેર ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર અમિત ડોંગરે જણાવ્યું હતું કે નવરાત્રિ માટે ફાયર એનઓસી મેળવવા અત્યાર સુધીમાં 8 અરજીઓ આવેલી છે જે અરજીઓ પર અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થળ તપાસ કર્યા બાદ તેને મંજૂરી આપવામાં આવશે. હજુ સુધી એક પણ ગરબા આયોજકને ફાયર એનઓસી આપવામાં આવ્યું નથી. ગરબા આયોજકોએ ફાયર એનઓસી મેળવવા માટે ગરબા શરૂ થાય તેના ત્રણ દિવસ પહેલા અરજી કરવાની રહેશે.જેની પણ ફાયર એનઓસી નહીં હોય તેને ગરબા શરૂ કરવા દેવાશે નહીં.
‘આયોજકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે’
અમદાવાદ શહેર ફાયરબ્રિગેડે જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખી નવરાત્રિના આયોજકો માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડી છે. નવરાત્રિના આયોજકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉપરાંત ઓનલાઈન જેટલા પણ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તે તમામ ડોક્યુમેન્ટ બાદમાં જમાલપુર સ્ટેશન ખાતે આવેલી ઓફિસમાં જમા કરાવવાના રહેશે.
ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય વિભાગોનું NOC ફરજિયાત
નવરાત્રિના આયોજકોએ ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય વિભાગોનું NOC લેવાનું રહેશે. આગ અકસ્માત સમયે બહાર નીકળવા માટે બે ઇમર્જન્સી ગેટ અલગ અલગ દિશામાં રાખવાના રહેશે. નવરાત્રિ ગરબાના સંચાલકો દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ, રૂલ્સ અને રેગ્યુલેશન તેમજ વખતો-વખતના સુધારા, નેશનલ બિલ્ડીંગ પાર્ટ-4, IS-8758 મુજબની જોગવાઈ ઉપલબ્ધ કરાવવાનું સેલ્ફ ડીક્લેરેશન રૂ. 300ના સ્ટેમ્પ પેપરમાં ફોટો નોટરી કરાવવાનું રહેશે. જેને અચૂક રજૂ કરવાનું રહેશે.
ફાયર એનઓસી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે
નવરાત્રિના આયોજકોએ ફાયર વિભાગનું ફાયર સેફટી સર્ટીફીકેટ-ટેમ્પરરી (FSCAT) મેળવવા માટે ઓનલાઈન https://fscop.gujfiresafetycop.in/ વેબસાઈટ પર અરજી કરીને જણાવેલ દસ્તાવેજની હાર્ડ ફાઈલ તૈયાર કરીને જમાલપુર ફાયરસ્ટેશન ખાતે સબમિટ કરાવવાની રહેશે. ત્યાર બાદ નિયમાનુસાર સ્થળ નિરીક્ષણ કરીને FSCAT મેળવવાની રહેશે. ઓનલાઈન અરજી અને હાર્ડ કોપીની ફાઈલ સબમિટ ઇવેન્ટ ચાલુ થવાના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા કરવાની રહેશે.
અમદાવાદમાં પાર્ટી પ્લોટ, ક્લબ, મોટા સ્થળે ગરબા માટે ફાયરની NOC ફરજિયાત
ફાયરબ્રિગેડે તૈયાર કરેલા નિયમોમાં આ પંડાલમાં રસોઇ બનાવવા માટે ગેસ સીલીન્ડર, ધુમ્રપાનના સાધનો તેમજ આગ લાગે તેવા કોઇપણ પદાર્થ રાખી શકાશે નહીં. શહેરમાં પાર્ટી પ્લોટ, કલબ સહિતના મોટા સ્થળે ગરબાના આયોજકો માટે ફાયરબ્રિગેડની એનઓસી લેવી ફરજિયાત છે. જે માટે ઓનલાઇન ફોર્મ ભરી જરૂરી તમામ દસ્તાવેજો જમા કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હોવાનું રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી પણ આપવાની રહેશે.
રોજ કેટલા લોકો આવે છે તેનો રેકોર્ડ પણ રાખવાનો રહેશે
આયોજકોએ ઓનલાઈન અરજી કરીને નિર્ધારિત દસ્તાવેજો જમાલપુર ફાયર સ્ટેશન ખાતે રજૂ કરવાના રહેશે. સિટિંગ વ્યવસ્થામાં સીટની 10 રો અને 10 બેઠક પછી પેસેજ આપવાનો રહેશે. જેની પહોળાઈ ઓછામાં ઓછી 1.5 મીટર રાખવી પડશે. ઈમરજન્સી સમયે સહેલાઈથી નીકળી શકાય તે માટે બે એક્ઝિટ બનાવવા પડશે. રોજ કેટલા લોકો આવે છે તેનો રેકોર્ડ પણ રાખવાનો રહેશે.
મંડપનું વાયરિંગ પણ નિયમો પ્રમાણે કરવાનું રહેશે
ફાયરબ્રિગેડ દ્વારા જાહેર કરાયેલા નિયમો પ્રમાણે મંડપ-પંડાલના સ્ટ્રક્ચર ખાસ કરીને સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દૂર રાખવાના રહેશે. તેની કેપેસીટ પ્રતિ ચો.મી. 1 વ્યક્તિની નક્કી કરાઇ છે તેથી વધારે લોકોને પ્રવેશ આપી શકાશે નહી. ઇમરજન્સી સમયે નાગરિકો સહેલાઇથી બહાર નીકળી શકે તે માટે બે એક્ઝીટ બનાવવાના રહેશે. મંડપ ખાસ કરીને ભઠ્ઠી, ઇલેક્ટ્રીક સબ સ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઇટેન્શન લાઇન કે રેલવે લાઇનથી દૂર બનાવવાના રહેશે. દૈનિક કેટલા વ્યક્તિ આવી શકે, તે માટેના તમામ દસ્તાવેજી રેકર્ડ બનાવવાનો રહેશે. મંડપમાં કરવામાં આવતા વાયરિંગ પણ નિયમો પ્રમાણે કરવાના રહેશે.
‘રાજકોટમાં અરજી બાદ ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરશે’
રાજકોટ ફાયર વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યું કે, તમામ નવરાત્રિના આયોજકો માટે ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવું ફરજિયાત છે. ફાયર NOC માટે આયોજકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી બાદ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે. અને જો નિયમ મુજબની વ્યવસ્થા હશે તો જ NOC આપવામાં આવશે.
આયોજકોએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે
- આયોજન સ્થળે નિયમ મુજબના ફાયર સેફ્ટીના સાધનો રાખવા જરૂરી છે.
- ઇમરજન્સીની પરિસ્થિતિમાં ફાયરના વાહનો સરળતાથી અંદર પ્રવેશી શકે અને બહાર નીકળી શકે તે માટે એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા યોગ્ય રાખવી.
- પંડાલમાં ઇલેક્ટ્રિક સામગ્રી અને ફાયરના ઇક્વિપમેન્ટની વ્યવસ્થા યોગ્ય રીતે ગોઠવવી.
- કાર્યક્રમ દરમિયાન ફાયરના તમામ ઇક્વિપમેન્ટના જાણકાર વ્યક્તિને હાજર રાખવા.
- રેતી ભરેલી 2 ડોલ અને ગ્રાઉન્ડની સાઇઝ મુજબ દર 50 મીટરે 200 લિટરના પાણીના બેરલ રાખવા.
‘નવરાત્રિમાં ગરબા સ્થળે ફાયર વિભાગનો સ્ટાફ બંદોબસ્તમાં નહીં રહે’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફાયર વિભાગનો સ્ટાફ નવરાત્રિ દરમિયાન કોઈ પણ ગરબા સ્થળે બંદોબસ્તમાં હાજર નહીં રહે, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક પહોંચી વળવા માટે તેઓ સજ્જ રહેશે. જો કે આયોજકોએ ફાયરના સાધનોનો ઉપયોગ કરવાનું જાણતા હોય અને તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કરી શકે તેવા વ્યક્તિને હાજર રાખવાનો રહેશે. તેમજ આયોજકોને ઓનલાઈન અરજી કરીને NOC મેળવી લેવાની અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી છે.
સુરતમાં 10,000 પોલીસ જવાનો તહેનાત રહેશે
સુરતમાં 1,000થી વધુ કોમર્શિયલ, નોન-કોમર્શિયલ અને શેરી ગરબાના આયોજનો થવાના છે. આ તમામ આયોજનોને સુરક્ષા પૂરી પાડવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 10,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળોના જવાનો તૈનાત કરવામાં આવશે, જેમાં હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોનો પણ સમાવેશ થાય છે. SHE ટીમની અલગ-અલગ ટીમો તહેનાત રહેશે.
વડોદરામાં 500થી વધુ સ્થળે ગરબાનું આયોજન
વડોદરામાં નવરાત્રિ પર્વને લઈ 500થી વધુ નાના મોટા આયોજન થઈ રહ્યા છે. પોલીસ કમિશ્નર દ્વારા એક બેઠક યોજાઈ હતી. જેમા 60 મુખ્ય ગરબાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. ગરબા આયોજકો આયોજન સ્થળે પ્રવેશવા તથા બહાર જવા માટે એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ, ઇમરજન્સી એક્ઝિટ પોઇન્ટ, યોગ્ય બેઠક, ગરબે રમવા જોવા આવતા લોકોના વાહન વ્યવહાર પાર્કિંગની વ્યવસ્થા, ગરબા સ્થળે તેમ જ આસપાસના સ્થળે પૂરતી લાઇટિંગ વ્યવસ્થા રાખવી જેથી કોઈ અપ્રિય ઘટના ન બને, CCTV અને ખાનગી સિક્યુરિટીની વ્યવસ્થા, મેડિકલ સુવિધા, ફાયર સેફટી વગેરે જેવી જરૂરી અને મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે.
ગરબા સ્થળોની આસપાસ-અવાવરું જગ્યાએ પેટ્રોલિંગ કરાશે
વડોદરા પોલીસની SHE ટીમ પણ આ માટે તૈયારીઓ હજુ કરી રહી છે. દરેક પોલીસ સ્ટેશન દીઠ એક ટીમ પોતાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરશે. સાથે મોટા ગરબા આયોજકો સાથે સંકલન કરી તેઓના ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા કરશે. આ સાથે ગરબા સ્થળોની આસપાસ અને અવાવરુ જગ્યાએ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.
ફાયર વિભાગે પણ ગાઇડલાઇન જાહેર કરી
આ સાથે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા પણ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 18 જેટલા ગરબા આયોજકોએ NOC માટે અરજી કરી છે. આ અરજી બાદ ફાયર વિભાગ દ્વારા સ્થળ વિઝિટ કરી ચકાસણી કર્યા બાદ પરમિશન આપવામાં આવશે.