વડોદરામાં ફરી કોમી શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ, 50ની અટકાયત
વડોદરામાં ગણેશચતુર્થી બાદ ફરી કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂનીગઢી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ એ રીતે AI આધારિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં લઘુમતી સમાજના લોકો 19 સપ્ટેમ્બરની મોડીરાત્રે રસ્તા પર ઊતરી આવ્યા હતાં. રાતના સમયે લોકોનાં ટોળેટોળાં એકઠાં થતાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી તેમજ થોડા સમય માટે પથ્થરમારો પણ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી. તો બીજી તરફ રાતે જ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.
ઘટના બાદ ગોઠવી દેવાયો પોલીસનો બંદોબસ્ત
આ સમગ્ર મામલે સિટી પોલીસે હાલમાં AI આધારિત પોસ્ટ કરનાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે, સાથે પથ્થરમારો કરનાર ટોળાને પણ ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? એની ગંધ સુધ્ધાં ન આવે એ માટે સિટી પોલીસ મથક બહાર બે પોલીસકર્મીને બેસાડી દેવામાં આવ્યા છે. મીડિયા અને સામાન્ય નાગરિક ફરિયાદ માટે આવે તોપણ અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. આ સાથે જૂનીગઢી વિસ્તારમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
પોલીસ ધાર્મિક લાગણી અને અન્ય બનાવને લઈ કાર્યવાહી કરી રહી છેઃ લીના પાટીલ આ અંગે એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાય એવો બનાવ બન્યો છે. એ અનુસંધાને લોકોનું ટોળું પોલીસ મથક વિસ્તારમાં આવતાં માહોલ થોડો ગરમાયો હતો. પોલીસ મથકોની અને ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તાત્કાલિક આવી જતાં આ મામલો શાંત પડ્યો છે. હાલમાં વિસ્તારમાં શાંતિ છે. હાલમાં આ મામલે પોલીસનો અલગ-અલગ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત છે. હાલમાં પોલીસ ધાર્મિક લાગણી અને અન્ય બનાવને લઈ કાર્યવાહી કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે, સાથે સોશિયલ મીડિયા પર પણ નજર છે. જે કોઈ સોશિયલ મીડિયા પર આવી કોઈ અફવાઓ ફેલાવશે કે કોઈ વાંધાજનક મેસેજ કરી કોઈ જગ્યાએ માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે.
સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ-કોમ્બિંગ
મોડીરાતે સર્જાયેલી સ્થિતિ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા હતા.
