કોંગ્રેસ બાદ AAPએ ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બાદ હવે આમ આદમી પાર્ટી (AAP) એ પણ ચૂંટણી પંચ પર વોટ ચોરીનો ગંભીર આરોપ લગાવ્યો છે. AAP નેતા સૌરભ ભારદ્વાજે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલના નવી દિલ્હી મતવિસ્તારમાં મોટા પાયે નામ ડિલિટ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી મતવિસ્તારમાં 1.48 લાખ મતદારો : ભારદ્વાજ
ભારદ્વાજે જણાવ્યું હતું કે 2020માં, નવી દિલ્હી મતવિસ્તારમાં 1.48 લાખ મતદારો હતા, જે 2025 માં ઘટીને 1.06 લાખ થઈ ગયા. મતદાર યાદીમાંથી આશરે 42,000 નામ ગુમ થઈ ગયા. 5 જાન્યુઆરી, 2025ના રોજ, તત્કાલીન મુખ્યમંત્રી આતિશીએ તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને પત્ર લખીને આ અંગે ફરિયાદ કરી હતી.
AAP નેતાના જણાવ્યા મુજબ, આતિશીએ જણાવ્યું હતું કે 29 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર, 2024 દરમિયાન મત કાઢી નાખવા માટેની 6,166 અરજીઓ મળી હતી. તેમ છતાં, કમિશને કોઈ નક્કર કાર્યવાહી કરી નહીં. જ્યારે માહિતી અધિકાર (RTI) દ્વારા માહિતી માંગવામાં આવી હતી, ત્યારે કમિશને તેને વ્યક્તિગત માહિતી ગણાવીને તે આપવાનો ઇનકાર કર્યો હતો.
જોકે, ચૂંટણી પંચે AAPના આરોપોને ફગાવી દીધા છે. નવી દિલ્હી બેઠક પર અરવિંદ કેજરીવાલનો મુકાબલો ભાજપના ઉમેદવાર પરવેશ વર્મા સામે હતો, જેમણે પૂર્વ મુખ્યમંત્રીને લગભગ 36,000 મતોથી હરાવ્યા હતા.
ચૂંટણી પંચે કહ્યું - આતિશી પર 76 પાનાનો રિપોર્ટ આપ્યો
ચૂંટણી પંચે X પરની એક પોસ્ટમાં સૌરભ ભારદ્વાજના આરોપો પર સ્પષ્ટતા કરી અને લખ્યું - 13 જાન્યુઆરી, 2025ના રોજ, ચૂંટણી પંચે દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી આતિશીને CEO/DEO રિપોર્ટ સહિત 76 પાનાનો વિગતવાર જવાબ મોકલ્યો, 13 જાન્યુઆરી, 2025ના રોજ કમિશનના પત્ર મુજબ, આતિશીએ 5 જાન્યુઆરી, 2025ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને મતદાર યાદીમાંથી નામ ઉમેરવા અને કાઢી નાખવા માટેની અરજીઓમાં વધારો થવાનો આરોપ લગાવ્યો હતો. કમિશને દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો હતો, જેમણે જણાવ્યું હતું કે તેઓ તથ્યોની તપાસ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું - ચોકીદાર જાગતો રહ્યો અને ચોરી જોતો રહ્યો
AAP પહેલા, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 17 સપ્ટેમ્બરના રોજ 31 મિનિટની રજૂઆતમાં વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો અને પુરાવા હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ જાણી જોઈને કોંગ્રેસના મતદારોને નિશાન બનાવી રહ્યું છે અને તેમના નામ કાઢી રહ્યું છે. આ વખતે, રાહુલ ગાંધી કર્ણાટકના એવા મતદારોને પણ સાથે લાવ્યા હતા જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા.એક વીડિયો શેર કરીને રાહુલે દાવો કર્યો હતો કે મતદાર યાદીમાંથી નામ ડિલિટ કરવા માટે ખોટી ઓનલાઈન અરજીઓ કરવામાં આવી રહી હતી, અને ઘણા લોકોને તેની ખબર પણ નહોતી. તેમણે લખ્યું, "સવારે 4 વાગ્યે ઉઠો, 36 સેકન્ડમાં બે મતદારોના નામ કાઢી નાખો, પછી પાછા સૂઈ જાઓ - આ રીતે વોટ ચોરી થાય છે. ચૂંટણી ચોકીદાર જાગતો રહ્યો, ચોરી જોયોતો રહ્યો અને ચોરોને બચાવતો રહ્યો.
