CBSE ધો.10ની પરીક્ષા 2026થી બે વખત લેવાશે:પહેલી ફરજિયાત, બીજી વૈકલ્પિક
CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)ના 10મા ધોરણના વિદ્યાર્થીઓ 2026થી વર્ષમાં બે વાર પરીક્ષા આપશે. પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે બુધવારે આ માહિતી આપી. નવી પરીક્ષા પેટર્ન મુજબ, પહેલી પરીક્ષા બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે અને બીજી પરીક્ષા વૈકલ્પિક રહેશે.
પહેલી પરીક્ષા ફેબ્રુઆરીમાં અને બીજી પરીક્ષા મેમાં લેવામાં આવશે. પરિણામ એપ્રિલ અને જૂનમાં જાહેર કરવામાં આવશે. આ સાથે પૂરક પરીક્ષાઓ નાબૂદ કરવામાં આવી છે. આ નિર્ણય હાલમાં 12મા બોર્ડને લાગુ પડશે નહીં.
નવી પરીક્ષા પેટર્ન વિશે 3 મહત્વપૂર્ણ બાબતો
- બીજી પરીક્ષા એટલે કે વૈકલ્પિક પરીક્ષામાં, વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાંથી કોઈપણ 3 વિષયોમાં તેમનું પ્રદર્શન સુધારવાની મંજૂરી આપવામાં આવશે.
- વિન્ટર બાઉન્ડ શાળાઓ(શિયાળામાં બંધ રહેતી)માં વિદ્યાર્થીઓને બેમાંથી કોઈપણ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.
- જો કોઈ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં 3 કે તેથી વધુ વિષયોમાં હાજર ન રહ્યો હોય, તો તેને બીજી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ ડ્રાફ્ટ ઓગસ્ટ 2024માં તૈયાર કરવામાં આવ્યો હતો.
વર્ષમાં બે વાર પરીક્ષા લેવાનો ડ્રાફ્ટ ઓગસ્ટ 2024માં તૈયાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે જેમ વિદ્યાર્થીઓ પાસે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે વર્ષમાં બે વાર જોઈન્ટ એન્ટ્રન્સ પરીક્ષા (JEE) આપવાનો વિકલ્પ છે, તેવી જ રીતે વિદ્યાર્થીઓ વર્ષમાં બે વાર 10મા ધોરણની પરીક્ષા આપી શકશે.
શિક્ષણ મંત્રાલયે ગયા અઠવાડિયે 19 ફેબ્રુઆરીએ CBSE બોર્ડના સચિવ અને અન્ય શિક્ષણવિદો સાથે વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે ચર્ચા કરી હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને CBSE, NCERT, KVS, NVS અને ઘણા શાળા અધિકારીઓ સાથે વર્ષમાં બે વાર પરીક્ષાઓ યોજવા અંગે ચર્ચા કરી હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.