Loading...

પહેલા નોરતે ભાવનગર, વલસાડ, ભરૂચ અને જાફરાબાદમાં વરસાદની રમઝટ

આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 22થી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું વધુ જોર રહેશે.

આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલથી ભારે વરસાદને લઈને કોઈ એલર્ટ નથી, પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ અને 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, સમગ્ર ઉત્તર ગુજરાત પરથી મોન્સૂન વિદાય લઈ રહ્યું છે. બે દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભાવનગર, વલસાડ, જાફરાબાદ અને ભરૂચમાં વરસાદ ખાબકતા ગરબા આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે.

ગઈકાલે સુરતમાં વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને ઉધના-નવસારી રોડ પર સતત પાંચમા દિવસે પણ પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગોઠણ સુધીના પાણીમાં વાહનો બંધ પડતા લોકોને ધક્કો મારીને લઈ જવાની ફરજ પડી છે. જાહેર રસ્તાઓ જાણે તળાવ બન્યા હોય તેવા દૃશ્યો સર્જાયા હતાં.