હિન્દુનેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ:સુરતના ગેરેજમાં મૂકેલી કારના અજાણ્યા શખસોએ કાચ તોડ્યા
હિન્દુવાદી નેતા તરીકેની છબિ ધરાવતા ઉપદેશ રાણાની કારમાં સુરત ખાતે અજાણ્યા શખસોએ તોડફોડ કરી છે. આ ઘટના ત્યારે બની જ્યારે રાણા હૈદરાબાદમાં હતા. ગોડાદરા પોલીસે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણકારી અંગે ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે તેઓ હૈદરાબાદ છે અને ગેરેજમાલિક દ્વારા તપાસ માટે ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉપદેશ રાણાને ISIS તરફથી અને અન્ય શખસો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે.
આ અંગે ઉપદેશ રાણાએ જણાવ્યું કે,
"હું ગઈકાલે રાતે ફ્લાઈટથી હૈદરાબાદ આવ્યો છું. સુરતના ઘોડાદરામાં મારા આવાસ પાસે મેં મારી હેરિયર કાર ખેતપાલભાઈને કામ કરવા માટે આપી હતી. ખેતપાલભાઈએ કારનું કામ કરીને ગેરેજની બાજુમાં મેદાન છે, ત્યાં મારી કાર ઊભી રાખી હતી. મારી કાર પર પથ્થરમારો થયો છે. કાચ તોડી નાખ્યાં છે અને અંદરથી પથ્થર પણ મળી આવ્યા છે. મારૂ નિવેદન છે કે, જે પણ લોકોએ આ કર્યું છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવે."
ઉપદેશ રાણાની કાર રિપેરિંગ માટે આવી હતી
આ ઘટનાની જાણકારી ખેતપાલ બાબુસિંહ રાજપુરોહિત (ઉં.વ. 24) નામના ગેરેજમાલિક દ્વારા આપવામાં આવી હતી. ખેતપાલ રાજપુરોહિત મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના કાલુળિયા ગામના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં સાઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ઘર નંબર 102, પહેલા માળે રહે છે. આ ઘટના ઉપદેશ રાણાની ગાડી તેમના ગેરેજમાં રિપેરિંગ માટે મૂકવામાં આવી હતી એ દરમિયાન બની હતી. રાજપુરોહિત દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ, તોડફોડની ઘટના 21 સપ્ટેમ્બર, 2025ના રોજ રાત્રિના 8:30થી 9:20 વાગ્યાની વચ્ચે બની હતી. આ મામલે ફરિયાદ 22 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 2:30 વાગ્યે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ગાડી અંદર મૂકતા સમયે કાચ તૂટેલા જોવા મળ્યા ફરિયાદી રાજપુરોહિતે જણાવ્યું હતું કે 21 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 9:30 વાગ્યે તેમણે તેમના ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી તમામ ફોર-વ્હીલર ગાડીઓને બહાર કાઢીને રાધે-શ્યામ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાં મૂકી હતી. રાત્રિના આશરે 9:30 વાગ્યે જ્યારે તેઓ ગેરેજ બંધ કરી રહ્યા હતા અને એક પછી એક ગાડીઓને અંદર મૂકી રહ્યા હતા ત્યારે તેમને એક સફેદ ટાટા હેરિયર ગાડી (રજિ. નંબર GJ-05-RN-2626)નો પાછળનો કાચ તૂટેલો જોવા મળ્યો.
નુકસાન જોતાં જ રાજપુરોહિતે તાત્કાલિક ગાડીના માલિક ઉપદેશ રાણાને ફોન કરીને જાણ કરી અને તેમના મોબાઈલ નંબર પર તૂટેલા કાચનો વીડિયો પણ વ્હોટ્સએપ પર મોકલી આપ્યો હતો. ત્યાર બાદ તેમણે ગાડીને સુરક્ષિત રીતે ગેરેજની અંદર મૂકી દીધી.
પોલીસ તપાસ શરૂ ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે તેમને આ ઘટનાની જાણકારી મળી છે અને તેમણે સ્થાનિક પોલીસને પણ જાણ કરી છે. હાલ ગોડાદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે ગાડીને નુકસાન પહોંચાડનાર કોણ છે. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તોડફોડ પાછળનો હેતુ હજી સ્પષ્ટ થયો નથી અને પોલીસ ગુનેગારોને શોધી કાઢવા માટે કાર્યરત છે.
ઉપદેશ રાણાનો નાનો પરિચય...
ઉપદેશ રાણા રાષ્ટ્રવાદી અને હિન્દુ વિચારધારા સાથે જોડાયેલા છે. ઉપદેશ રાણાનો જન્મ ઉત્તરપ્રદેશ રાજ્યના મેરઠ શહેરમાં થયો હતો. તેમનું બાળપણ પણ મેરઠ શહેરમાં જ વીત્યું હતું. તેમણે ઉત્તરપ્રદેશ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાંથી તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યાર બાદ તેમણે ચૌધરી ચરણ સિંહ મેરઠ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. અભ્યાસ દરમિયાન ઉપદેશ રાણા હિન્દુઓને લગતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ઉપદેશ રાણા મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, વીર પૃથ્વીરાજ ચૌહાણ, ભગત સિંહ અને સુખદેવ ગુરુને પોતાના આદર્શ માને છે. અભ્યાસ પૂરો કર્યા પછી ઉપદેશ રાણા બોલિવુડમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ ગયા હતા.
તેઓ સનાતન સંઘ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ છે, જે રક્તદાન, ગોમાતા સેવા, ગરીબ પરિવારની કન્યાઓનું શિક્ષણ, ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, હિન્દુ ધર્મના મહત્ત્વતા પર પ્રવચનોનું આયોજન, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અનામત મેળવવામાં મદદ કરવા જેવાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. ગામડાંમાં પછાત વર્ગના લોકોને મદદ કરવા, ગામડાંમાં બાલવાડી, બાલમંદિર, પ્રાથમિક શાળા, આશ્રમ અને પ્રાથમિક વિદ્યાલયની સ્થાપના, જાળવણી અને મદદ કરવા માટે જાહેર શિક્ષણ કેન્દ્ર ETCની સ્થાપના કરાઈ હતી.
