Loading...

યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે કાદવ કીચડ

વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા ગુજરાતના સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે કાદવ કીચડને કારણે ખેલૈયાઓ હેરાન પરેશાન થઈ ગયા હતા અને ખેલૈયાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક તબક્કે ખેલૈયાઓને ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ખેલૈયાઓ માન્યા નહોતા અને રિફંડ રિફંડના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત યુનાઈટેડ વે હાય હાયના નારા પણ લગાવ્યા હતા.

લોકો એ લગાવ્યા રિફંડ રિફંડ...ના નારા

લોકોએ રિફંડ રિફંડ...ના નારા લગાવતા ગાયક અતુલ પુરોહિત ઊભા થઈ ગયા હતા અને તેઓએ ખેલૈયાઓને કહ્યું હતું કે, દરેક વાતનો એક હલ હોય છે, તમે મને સાંભળશો ખરા? નહીં સાંભળો તો તમને જવાબ કેવી રીતે મળશે, જોકે ખેલૈયાઓએ તેમની વાત સાંભળી નહોતી અને કહ્યું હતું કે, દાદા જવાબ નહીં જોઈએ. પૈસા પાછા આપો અને રિફંડ રિફંડના નારા લગાવ્યા હતા. બીજી તરફ કેટલાક લોકોએ કહ્યું હતું કે, હમારી માગે પૂરી કરો, નેપાળ જૈસા પ્રોટેસ્ટ કરના પડેગા.

આક્રોશને જોતાં આયોજકોએ રિફંડની કરી જાહેરાત 

લોકોનો આક્રોશ જોતા આયોજકોએ ગરબા દરમિયાન જાહેરાત કરવી પડી હતી કે, જે લોકોને તકલીફ પડતી હોય અને રિફંડ જોઈતું હોય તેમને આવતીકાલે યુનાઇટેડ વેની ગ્રાઉન્ડ પરની ઓફિસે સવારે 11થી 3 વાગ્યાની વચ્ચે પાસ જમા કરાવી દેવો, તે લોકોને પાંચથી સાત દિવસમાં ઓનલાઈન રિફંડ મળી જશે. પાસ જમા કરાવ્યા પછી તેઓ આ સિઝનમાં આ ગ્રાઉન્ડમાં ગરબા રમી શકશે નહીં.

યુનાઇટેડ વે ઓફ બરોડાના ગ્રાઉન્ડમાં ભારે કીચડ હોવા છતાં અડધા ખેલૈયાઓ ગરબે રમતા જોવા મળ્યા હતા. તો કેટલાક ખેલૈયાઓ ગ્રાઉન્ડની બહાર ફૂડ ઝોનમાં પણ ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા હતા. આ ખેલૈયાઓ અતુલ પુરોહિતના કારણે ગરબે રમવા આવે છે, જોકે મિસ મેનેજમેન્ટના કારણે ખેલૈયાઓ ખૂબ નારાજ જોવા મળ્યા અને ભારે રોષ ઠાલવ્યો હતો.

ગયા વર્ષે પણ ગરબામાં હતો કાદવ-કીચડ

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 2024માં પણ નવરાત્રિમાં યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં કાદવ કીચડને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આ પહેલા વર્ષ 2022માં પણ ગ્રાઉન્ડમાં કાંકરા હોવાથી ખેલૈયાઓ પરેશાન થયા હતા. તે સમયે પણ મોટો વિવાદ સર્જાયો હતો. તે સમયે યુનાઇટેડ વે ગ્રાઉન્ડમાં પથ્થર-પથ્થરની બૂમો પડી અને હોબાળો થતાં અધવચ્ચેથી ગરબા બંધ કરવા પડ્યા હતા. અતુલ પુરોહિતને જાતે સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું.

બે દિવસ પહેલાં યુનાઇટેડ વેના આયોજકોએ ખેલૈયાઓને બોલાવ્યા પછી ન આપ્યા પાસ

આ ઉપરાંત આ પહેલા યુનાઇટેડ વેના આયોજકો સામે ચેરિટી કમિશનરમાં પણ ફરિયાદ થઈ હતી. આ ઉપરાંત ગ્રાઉન્ડમાં કાંકરા મુદ્દે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ફરિયાદ થઈ હતી. આ યુનાઈટેડ વે ઓફ બરોડા સતત વિવાદમાં ઘેરાયેલુ રહે છે. તો બે દિવસ પહેલા જ યુનાઇટેડ વે દ્વારા ખેલૈયાઓને બોલાવ્યા પછી પાસ ન આપવામાં આવતા વડોદરાની અલકાપુરી ક્લબ ખાતે ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસ ઘટનાએ દોડી ગઈ હતી. જોકે આ ઘટનામાં ત્રણથી ચાર લોકોએ ઇજાગ્રસ્ત થયા હતા. અને અફરાતફરી દરમિયાન કાચ પણ તૂટ્યા હતા.