આજે નોરતાનો બીજો દિવસ..ચોટીલા મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ
આજે નવરાત્રિનું બીજું નોરતું છે. સુરેન્દ્રનગરમાં આવેલા ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની ભીડ ઉમટી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ઉમટી રહ્યા છે.
વૈદિક મંત્રોચ્ચાર સાથે ડુંગર પર કળશની સ્થાપના
નવરાત્રિના પ્રથમ નોરતે મંદિરના મહંત મનસુખગીરી ગોસાઈ અને મંદિર સ્ટાફે વૈદિક મંત્રોચ્ચાર સાથે ડુંગર પર કળશની સ્થાપના કરી હતી. આ વર્ષે નવરાત્રિમાં એક નોરતું વધારે છે. મંદિરે આઠમના નોરતે અને રવિવારે વિશેષ ભીડ જામવાની શક્યતા છે.
શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા
મંદિર વ્યવસ્થાપકોએ શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરી છે. પોલીસ વિભાગે સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર પૌરાણિક માન્યતા ધરાવે છે. કહેવાય છે કે ચંડ અને મુંડ નામના અસુરોના અત્યાચારથી ત્રસ્ત દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ માતા કાળીએ બંને રાક્ષસોનો વધ કર્યો હતો. ત્યારથી તેમનું નામ ચામુંડા પડ્યું અને આ ડુંગર તેમનું નિવાસ સ્થાન બન્યો. આજે આ સ્થળ કરોડો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.
