Loading...

ન્યૂયોર્કમાં બાંગ્લાદેશના વિદ્યાર્થી નેતા પર ફેંકાયા ઇંડા: હસીનાની પાર્ટીના કાર્યકરોએ તેમને કહ્યા આતંકવાદી; યુનુસ વિરુદ્ધ પણ કર્યા સૂત્રોચ્ચાર

બાંગ્લાદેશની વચગાળાની સરકારના ચીફ એડવાઈઝર અને નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મુહમ્મદ યુનુસના કાફલાને ન્યૂયોર્કમાં વિરોધનો સામનો કરવો પડ્યો.

પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના કાર્યકરોએ યુનુસ સાથે આવેલા વિદ્યાર્થી નેતા અખ્તર હુસૈન પર ઇંડા ફેંક્યા અને તેમને આતંકવાદી ગણાવ્યા. ભીડે યુનુસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

યુનુસ અને તેમના સાથીઓ રવિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 80મા સત્રમાં હાજરી આપવા માટે ન્યુયોર્ક પહોંચ્યા હતા.

તેમનો કાફલો JFK આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બહાર નીકળ્યો કે તરત જ ત્યાં હાજર આવામી લીગના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ શરૂ કરી દીધો.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પ્રદર્શનકારીઓ અખ્તર હુસૈન પર ઇંડા ફેંકતા, તેમને 'આતંકવાદી' કહેતા અને યુનુસ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા દેખાય છે.

વિદ્યાર્થી આંદોલનને કારણે અખ્તર આવ્યા હતા ચર્ચામાં 

જુલાઈ 2024માં શેખ હસીના સરકાર વિરુદ્ધ વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કરનારા નેતાઓમાં અખ્તર હુસૈનનો સમાવેશ થાય છે. આ આંદોલનના દબાણ હેઠળ, હસીનાને 5 ઓગસ્ટના રોજ રાજીનામું આપી દીધુ હતું અને બાદમાં તેમણે ભારતમાં આશરો લીધો હતો. ત્યારબાદ, યુનુસના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવી હતી.

નિષ્ણાતોના મતે, વિદ્યાર્થી આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર અખ્તર હુસૈનને પણ અવામી લીગના કાર્યકરો સીધા દુશ્મન માને છે.

યુનુસના કાફલામાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર અને જમાત-એ-ઇસ્લામીના નેતાઓ પણ હાજર હતા.

જોકે વિરોધીઓએ તેમને નિશાન બનાવ્યા ન હતા, પણ આવામી લીગના કાર્યકરોનો ગુસ્સો મુખ્યત્વે અખ્તર હુસૈન અને યુનુસ પર હતો.

યુનુસ ભારત ખાતેના અમેરિકાના રાજદૂત સર્જિયોને મળ્યા

વિવાદ વચ્ચે, યુનુસે ન્યૂયોર્કમાં અમેરિકાના ખાસ દૂત સર્જિયો ગોર અને ભારતમાં નિયુક્ત અમેરિકાના રાજદૂત સાથે મુલાકાત કરી. તેમણે તેમને ખાતરી આપી કે બાંગ્લાદેશ ફેબ્રુઆરી 2025ના પહેલા ભાગમાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજશે.આ બેઠકમાં વેપાર, દક્ષિણ એશિયાઈ સહયોગ, સાર્કને ફરીથી સક્રિય કરવા અને રોહિંગ્યા સંકટ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. યુનુસે યુનાઇટેડ સ્ટેટ્સને કોક્સ બજારમાં રહેતા 10 લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓને સહાય પૂરી પાડવાનું ચાલુ રાખવા વિનંતી કરી.