ચૈતર વસાવા જેલમાંથી છૂટતાં ખભા પર બેસાડી સ્વાગત:વડોદરા સેન્ટ્રલ જેલ બહાર AAP ધારાસભ્યના સમર્થકોનો જમાવડો; ડેડિયાપાડામાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશબંધી
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળતાં આજે (24 સપ્ટેમ્બર) વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કારવામાં આવ્યા છે. વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર સમર્થકોનો જમાવડો હતો. જેલની ચૈતર વસાવા જેલની બહાર આવતાં જ સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું હતું. હાઈકોર્ટ દ્વારા તેમના ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તેઓ લગભગ અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે, જેને લઈને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ છે. જેલ બહાર સમર્થકો ઊમટી પડતાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
કોર્ટની પરવાનગી વિના સ્થળાંતર ન કરવા આદેશ
આપ નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને ભલે જામીન મળ્યા હોય, પરંતુ તેમને કેટલીક કડક શરતોનું પાલન કરવું પડશે. હાઈકોર્ટે તેમને ડેડિયાપાડામાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશ ન કરવાની શરત મૂકી છે. આ ઉપરાંત, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો તેઓ ફરીથી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાશે, તો તેમના જામીન રદ થઇ શકે છે. તેમને તપાસમાં સહકાર આપવા અને કોર્ટની પરવાનગી વિના સ્થળાંતર ન કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
જાણો શું હતો સમગ્ર મામલો?
5 જુલાઈના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આદિજાતિ વિકાસ કચેરીની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના બાદ સંજય વસાવાની ફરિયાદના આધારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ ત્યારથી જેલમાં હતા. માત્ર વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે તેમને થોડા સમય માટે જામીન મળ્યા હતા, પરંતુ સત્ર પૂરું થતાં તેમને ફરીથી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
સુરત AAPએ 16 જુલાઈ કલેક્ટરને આપ્યુ હતુ આવેદન
ગુજરાતમાં તાનાશાહી ચાલી રહી હોવાના આક્ષેપ સાથે 16 જુલાઈના રોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી સુરત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. અહીં AAPએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાએ ભ્રષ્ટાચારને નાથવા માટેનું કામ કર્યું છે. તેને ઉજાગર કરવાનું કામ કર્યું છે, ત્યારે જેમણે આ કૌભાંડ કર્યા છે તેમની સામે કાર્યવાહી કરવાને બદલે જે કૌભાંડ ઉજાગર કરી રહ્યા છે, તેને જ જેલના સળિયા પાછળ ધકેલવાનું કામ કરવામાં આવ્યું છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઝડપથી જેલની બહાર લાવવા માટે આવેદનપત્ર આપી તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને સ્થાનિક પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી હતી
