ટ્રમ્પે કહ્યું-જો રશિયન વિમાનો NATO દેશોમાં ઘુસે તો ઉડાવી દો:રશિયાને કાગળનો વાઘ ગણાવ્યો, યુક્રેન તેની ગુમાયેલી જમીન પાછી મેળવી શકે છે
મંગળવારે રાત્રે અમેરિકાવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી, જે દરમિયાન તેમણે રશિયન વિમાન NATO દેશોની એરસ્પેસમાં ઘુસે તો તેને ઉ઼ડાવી દેવાની હાકલ કરી હતી.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યુક્રેન રશિયા પાસેથી તમામ કબજા હેઠળનો પ્રદેશ પાછો મેળવી શકે છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર લખ્યું કે યુરોપ અને નાટોના સમર્થનથી, યુક્રેન તેની યુદ્ધ પહેલાની સરહદો પાછી મેળવી શકે છે, કારણ કે રશિયાનું અર્થતંત્ર દબાણમાં છે.
તેમણે રશિયાને "કાગળનો વાઘ" કહ્યો. ટ્રમ્પે કહ્યું કે રશિયા છેલ્લા સાડા ત્રણ વર્ષથી યુદ્ધમાં ફસાયેલું છે, પરંતુ જીતી શક્યું નથી. તેમના મતે, જો રશિયા ખરેખર લશ્કરી તાકાત હોત, તો આ યુદ્ધ એક અઠવાડિયામાં પુરુ થઈ ગયું હોત.સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બેઠક પહેલા આપેલા ભાષણમાં, ટ્રમ્પે યુરોપિયન દેશોને રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરવા વિનંતી કરી, એમ કહીને કે NATO દેશો પોતાના યુદ્ધ માટે ભંડોળ પૂરું પાડી રહ્યા છે.
ટ્રમ્પનું નિવેદન ગેમ ચેન્જર :- ઝેલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ પણ સુરક્ષા પરિષદની બેઠકમાં અમેરિકાને રશિયા પર વધુ દબાણ લાવવાની માંગ કરી હતી, અને જમીન પાછી લેવાના ટ્રમ્પના નિવેદનને "ગેમ ચેન્જર" ગણાવ્યું હતું.ટ્રમ્પે અગાઉ ઘણી વખત કહ્યું હતું કે યુદ્ધનો અંત લાવવા માટે યુક્રેનને કેટલીક જમીન છોડવી પડી શકે છે.
મંગળવારે મોડી રાત્રે ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન પર ટ્રમ્પના અચાનક વલણમાં ફેરફારથી તેઓ આશ્ચર્યચકિત થયા છે, જે તેમના મતે યુદ્ધનો અંત લાવવામાં મદદ કરી શકે છે.તેમણે કહ્યું કે આ દર્શાવે છે કે અમેરિકા યુદ્ધ સમાપ્ત થયા પછી પણ યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવા તૈયાર છે.
જોકે ઝેલેન્સકીએ સ્વીકાર્યું કે હજુ સુધી કોઈ નક્કર વિગતો નથી, તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં વધુ શસ્ત્રો, એર ડિફેન્સ સિસ્ટમ અને ડ્રોન મેળવવાની શક્યતા છે.ઝેલેન્સકીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હવે તેમની અને ટ્રમ્પ વચ્ચે વધુ વાતચીત અને મુલાકાતો થઈ રહી છે, જેના કારણે સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે.
જોકે ટ્રમ્પ અને ઝેલેન્સકીના સંબંધો ભૂતકાળમાં તણાવપૂર્ણ રહ્યા છે, જેમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ ખાતે ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ અને ઝેલેન્સકી વચ્ચેની મુલાકાતનો પણ સમાવેશ થાય છે, ટ્રમ્પે મંગળવારની મુલાકાત દરમિયાન ઝેલેન્સકીને એક બહાદુર માણસ ગણાવ્યા હતા.
8 ઇસ્લામિક દેશો સાથે ટ્રમ્પે કરી બેઠક
મંગળવારે રાત્રે ટ્રમ્પે યુએન મુખ્યાલયમાં આઠ ઇસ્લામિક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં તેમણે ગાઝામાં યુદ્ધનો અંત લાવવાનું વચન આપ્યું હતું.આ બેઠકમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, ઇજિપ્ત, જોર્ડન, તુર્કી, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાનના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક પછી ટ્રમ્પે મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપ્યું નહીં, ફક્ત હાથ હલાવતા ચાલ્યા ગયા.
UAEની સત્તાવાર સમાચાર એજન્સી અનુસાર, બેઠકમાં કાયમી યુદ્ધવિરામ અને ગાઝા સંઘર્ષનો અંત લાવવાની ચર્ચા કરવામાં આવી હતી. તે હમાસ દ્વારા રાખવામાં આવેલા તમામ બંધકોને મુક્ત કરવા અને ગાઝામાં માનવતાવાદી સંકટને ઉકેલવા માટે પણ સંમતિ દર્શાવી હતી.
13 ઓગસ્ટ: ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેનને જમીનની આપ-લે કરવી પડશે, તો જ યુદ્ધનો બંધ થશે
રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવાના માર્ગો શોધવા માટે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જર્મનીના બર્લિનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી અને યુરોપિયન નેતાઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી.
બેઠક દરમિયાન, ટ્રમ્પે જણાવ્યું હતું કે યુદ્ધ બંધ કરવા માટે બંને પક્ષોને જમીનની આપ-લે કરવી પડી શકે છે. ઝેલેન્સકીએ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે પુતિન છેતરપિંડી કરી રહ્યા છે અને ડોળ કરી રહ્યા છે કે પશ્ચિમી પ્રતિબંધો તેમને અસર કરી રહ્યા નથી અને બિનઅસરકારક છે.
