Loading...

આખો રોડ બેસી ગયો ને 50 મીટરનો 'ભૂવો’ પડ્યો:રસ્તા પરની ગાડીઓ પાછળ ખસી, વીજળીના થાંભલા, ફૂટપાથ ઊંડા ખાડામાં સમાયાં; બેંગકોકનો હચમચાવી દેતા દ્રશ્યો આવ્યા સામે

બેંગકોકમાં એક હોસ્પિટલ નજીક 50 મીટર ઊંડો એક વિશાળ ખાડો પડી ગયો હતો, જેના કારણે કાર અને વીજળીના થાંભલા નીચે પડી ગયા હતા. એના કારણે અધિકારીઓએ આ વિસ્તારને સીલ કરી દીધો હતો. થાઈ રાજધાની બેંગકોકના સેમસેન રોડ વિસ્તારમાં બનેલી આ ઘટના નજીકના રેલવે સ્ટેશનના બાંધકામ સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે. સવારે લગભગ 7 વાગ્યે બનેલી આ ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં વજીરા હોસ્પિટલની સામે ખાડો પડતાં ટ્રાફિકજામ થતો જોવા મળે છે.

રસ્તો અચાનક બેસી ગયો

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ ઘટના બુધવારે વહેલી સવારે બની હતી જ્યારે બેંગકોકની એક હોસ્પિટલની સામે 50 મીટર ઊંડો ખાડો પડી ગયો હતો, જેમાં કાર અને વીજળીના થાંભલા દટાઈ ગયા હતા. આ ઘટનાથી રહેવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. નજીકના અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનને આ અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જે ભયાનક દુર્ઘટનાની ઝલક આપે છે.

થાઈ રાજધાનીના ઐતિહાસિક જૂના શહેરમાં સેમસેન રોડ પર વજીરા હોસ્પિટલની આસપાસ સવારે 7 વાગ્યે સ્થાનિક અધિકારીઓએ રસ્તાઓ બંધ કરી દીધા હતા, કારણ કે આ વિસ્તારમાં એક વિશાળ ખાડો પડી ગયો હતો અને પાઇપલાઇનમાં ભંગાણ પડવાથી પાણીનો પ્રવાહ વહેતો થયો હતો, જ્યારે તૂટી પડેલી વીજલાઇનોમાંથી ખતરનાક તણખલા નીકળતા હતા.

રસ્તાની બાજુની ઇમારતો પણ જોખમમાં

હોસ્પિટલની સામે આશરે 30X30 મીટર પહોળો અને 50 મીટર ઊંડો ખાડો પડ્યો હતો. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એ માટે નજીકના એપાર્ટમેન્ટના રહેવાસીઓ અને હોસ્પિટલના દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ખાડો પડ્યો ત્યારે રસ્તા પર ઘણાં વાહનો હતાં અને રસ્તો જમીનમાં બેસી જતો જોઈને લોકો ઝડપથી પાછળ હટવા લાગ્યા.

આ પહેલાં થાઇલેન્ડના રાજ્ય સમાચાર બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સિંકહોલ વિસ્તરી રહ્યો છે, પરંતુ કોઈ ઈજાના અહેવાલ નથી. અહેવાલમાં જણાવાયું છે કે કટોકટી અને એન્જિનિયરિંગ ટીમો વિસ્તારને સાફ કરવા અને વધુ નુકસાન અટકાવવા માટે કામ કરી રહી છે. સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે, કારણ કે સિંકહોલ સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોખમ છે અને મુસાફરો માટે ચિંતા ઊભી કરી દીધી છે.

ગવર્નરે  જણાવ્યું અકસ્માતનું કારણ

સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયો અને ફોટોમાં બતાવવામાં આવ્યું છે કે ખાડાથી થોડા જ મીટર દૂર પર કાર પાછળ તરફ ઘસી રહી છે, કેમ કે ફુટપાથ પણ ખાડામાં સમાઈ ગયો છે, જેનાથી જમીનની નીચે એક ઊંડી ખીણ બની ગઈ છે. આ સિંકહોલ એવા સમયે બન્યો છે, જ્યારે બેંગકોકમાં ભારે વરસાદની આશંકા છે, કેમ કે આવનારા દિવસોમાં સુપર ટાઇફૂન દેશમાં પ્રવેશ કરશે.

બેંગકોક શહેરના અધિકારીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલની ઇમારતને નુકસાન પહોંચ્યું છે, સાથે જ લોકોને પોલીસ સ્ટેશન અને આસપાસની અન્ય ઇમારતોથી બહાર જવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગવર્નરે કહ્યું હતું કે સંબંધિત અધિકારી આ ખાડાને જલદી જ ઠીક કરવા માટે કામ કરી રહ્યા છે, કેમ કે ભારે વરસાદ અને નુકસાન થવાની આશંકા છે. બેંગકોકમાં આ સમયે ચોમાસું ચાલુ છે.



Image Gallery