હવે લેહમાં Gen-Z ભડક્યા,લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે વિદ્યાર્થીઓનું પ્રદર્શન; સોનમ વાંગચુક 15 દિવસથી ભૂખહડતાળ પર,ભાજપ કાર્યાલયને આગચંપી
લેહમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે હિંસક વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં. વિદ્યાર્થીઓની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ. વિદ્યાર્થીઓએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓએ CRPF વાહનને પણ આગ ચાંપી દીધી.આ વિદ્યાર્થીઓ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધપ્રદર્શન કરી રહ્યા છે, જે છેલ્લા 15 દિવસથી ભૂખહડતાળ પર છે. અધૂરી માગણીઓના વિરોધમાં પ્રદર્શનકારીઓએ આજે બંધનું એલાન આપ્યું હતું. લોકોએ વાંગચુકના સમર્થનમાં રેલી કાઢી હતી.
લેહ લદ્દાખમાં ભડક્યા GEN-Z, ભાજપ કાર્યાલય પર હુમલો
વાંગચુકના નેતૃત્વ હેઠળના વિદ્યાર્થીઓની 4 માગણી...
- પહેલી- લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ.
- બીજી- બંધારણીય રક્ષણ (છઠ્ઠી અનુસૂચિ હેઠળ) આપવું જોઈએ.
- ત્રીજી- કારગિલ અને લેહ લોકસભા સીટ બનાવો.
- ચોથી- સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોની ભરતી થવી જોઈએ.
આ માગણીઓ અંગે આગામી બેઠક 6 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાશે. 2019માં કલમ 370 અને 35A હટાવવામાં આવી ત્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. એ સમયે સરકારે રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય થયા પછી પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું.
જણાવી દઈએ કે
5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી હતી. જમ્મુ અને કાશ્મીરનો સંપૂર્ણ રાજ્યનો દરજ્જો રદ કર્યો. ત્યાર બાદ, જમ્મુ અને કાશ્મીર એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો. લેહ અને કારગિલનો સમાવેશ કરતું લદ્દાખ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું.
આ પછી લેહ અને કારગિલના લોકોએ કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવ્યો. છેલ્લાં બે વર્ષમાં તેમણે પૂર્ણ રાજ્યનો દરજ્જો અને બંધારણીય રક્ષણની માગણી સાથે અસંખ્ય વિરોધપ્રદર્શનો કર્યાં છે, જેમાં તેમની જમીન, નોકરીઓ અને અલગ ઓળખ બની રહે, જે કલમ 370 હેઠળ તેમને મળતું હતું.
ઓગસ્ટ 2024માં ગૃહમંત્રીએ લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 26 ઓગસ્ટ, 2024ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી. નવા જિલ્લાઓનાં નામ ઝાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ રાખવામાં આવશે. નવા જિલ્લાઓની જાહેરાત પહેલાં લદ્દાખમાં ફક્ત બે જિલ્લા હતા, લેહ અને કારગિલ. હવે આ સંખ્યા વધીને 7 થશે.
