લદ્દાખ હિંસા મામલે કેન્દ્રએ કહ્યું- વાંગચુકે લોકોને ઉશ્કેર્યા:વારંવાર અપીલ કરવા છતાં ભૂખ હડતાળ ચાલુ રાખી; ગઈકાલે લેહમાં 4 લોકોના મોત થયા
બુધવારે લદ્દાખમાં થયેલી હિંસા માટે કેન્દ્ર સરકારે સોશ્યલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. ગૃહ મંત્રાલયે મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું હતું કે, "વાંગચુકે ભડકાઉ નિવેદનો આપીને લોકોને ઉશ્કેર્યા, હિંસા વચ્ચે પોતાનો ઉપવાસ સમેટ્યા, પરંતુ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવાને બદલે, એમ્બ્યુલન્સમાં પોતાના ગામ જવા રવાના થઈ ગયા હતા."
મંત્રાલયે કહ્યું, 'ઘણા નેતાઓએ વાંગચુકને હડતાળ સમેટવા અપીલ કરી હતી, પરંતુ તેમણે હડતાળ ચાલુ રાખી. તેમણે આરબ સ્પ્રિંગ શૈલી અને નેપાળમાં જેન-જી વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા.'
વાંગચુકે 10 સપ્ટેમ્બરના રોજ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ભૂખ હડતાળ શરૂ કરી હતી. બુધવારે, લેહમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓએ કેન્દ્ર સરકાર દ્વારા તેમની અગાઉની માંગણીઓ પૂર્ણ ન કરવાના વિરોધમાં બંધનું આહ્વાન કર્યું હતું. આ હડતાળ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.
વિરોધીઓએ ભાજપ કાર્યાલય અને CRPF વાહનને આગ ચાંપી દીધી. વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ, જેમાં ચાર લોકોના મોત થયા અને 80થી વધુ લોકો ઘાયલ થયા. લગભગ 30 સુરક્ષા કર્મચારીઓ પણ ઘાયલ થયા. હિંસા વચ્ચે, વાંગચુકે તેમની ભૂખ હડતાળ સમેટી હતી. વહીવટીતંત્રે લેહમાં કર્ફ્યુ લાદ્યો છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ પ્રેસ નોટના 6 મુખ્ય મુદ્દા...
- 10 સપ્ટેમ્બર, 2025ના રોજ, સોનમ વાંગચુકે ભૂખ હડતાળ શરૂ કરી. તેમણે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગ કરી. સરકાર આ મુદ્દા પર લેહ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ, સાથે પહેલેથી જ ચર્ચા કરી રહી છે.
- આ વાટાઘાટોના પરિણામે મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા: 1. અનુસૂચિત જનજાતિ અનામત 45% થી વધારીને 84% કરવામાં આવ્યું. 2. મહિલાઓને કાઉન્સિલમાં 33% અનામત આપવામાં આવ્યું. 3. ભોટી અને પારગી ભાષાઓને સત્તાવાર ભાષાઓ બનાવવામાં આવી. 4. 1800 નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ. જોકે, કેટલાક લોકો આ પ્રગતિથી નાખુશ હતા અને વાટાઘાટોને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો.
- HPC ની આગામી બેઠક 6 ઓક્ટોબરે યોજાશે. નેતાઓ સાથેની બેઠકો પણ 25 અને 26 સપ્ટેમ્બરે યોજાશે. વાંગચુકના ઉપવાસને લગતા મુદ્દાઓ HPC માં પહેલેથી જ ચર્ચા હેઠળ છે. ઘણા નેતાઓએ તેમને તેમના ઉપવાસ સમેટી લેવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે અરબ સ્પ્રિંગ અને નેપાળ જેન-જી આંદોલન જેવા ઉદાહરણો આપીને લોકોને ઉશ્કેરવાનું ચાલુ રાખ્યું.
- 24 સપ્ટેમ્બરના રોજ સવારે 11.30 વાગ્યે, એક ટોળું વિરોધ સ્થળ છોડીને ગયું અને લેહમાં ભાજપ કાર્યાલય અને સરકારી CEC કાર્યાલય પર હુમલો કર્યો. તેમણે કાર્યાલયો અને વાહનોમાં આગ લગાવી, પોલીસ પર હુમલો કર્યો અને 30થી વધુ પોલીસ/CRPF કર્મચારીઓને ઘાયલ કર્યા. પરિસ્થિતિ વધુ વણસી જતાં, પોલીસે ગોળીબાર કર્યો, જેના પરિણામે કેટલાક લોકોના મોત થયા.
- 24 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી. સરકારનો દાવો છે કે સોનમ વાંગચુકના ભડકાઉ ભાષણોને કારણે હિંસા ભડકી હતી. હિંસા વચ્ચે તેમણે ઉપવાસ સમેટ્યા અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યા વિના પોતાના ગામ પરત ફર્યા.
- સરકાર લદ્દાખના લોકોને બંધારણીય સુરક્ષા પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તે જનતાને મીડિયા કે સોશિયલ મીડિયા પર જૂના કે ભડકાઉ વીડિયો ન ફેલાવવાની પણ અપીલ કરે છે.
વાંગચુકે કહ્યું કે શાંતિના સંદેશને અવગણવાથી આવી પરિસ્થિતિ સર્જાઈ આ દરમિયાન, સોનમ વાંગચુકે બુધવારે થયેલી હિંસા પર કહ્યું- આ લદ્દાખ અને મારા માટે સૌથી દુઃખદ દિવસ છે. અમે છેલ્લા પાંચ વર્ષથી શાંતિના માર્ગે ચાલી રહ્યા છીએ. અમે પાંચ વખત ભૂખ હડતાળ કરી છે અને લેહથી દિલ્હી સુધી ચાલીને ગયા છીએ, પરંતુ આજે આપણે હિંસા દ્વારા શાંતિના આપણા સંદેશને નિષ્ફળ થતા જોઈએ છીએ.
વાંગચુકે કહ્યું, " યુવાનોના મૃત્યુથી ભૂખ હડતાળનો હેતુ પૂરો થતો નથી. તેથી, અમે તાત્કાલિક અમારા ઉપવાસ સમેટી રહ્યા છીએ. હું સરકારને અમારા શાંતિના સંદેશને સાંભળવા વિનંતી કરવા માંગુ છું. જ્યારે શાંતિના સંદેશને અવગણવામાં આવે છે, ત્યારે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે."
