Asia Cup 2025 : પાકિસ્તાન પર BCCI ની કાર્યવાહી, ઉશ્કેરણીજનક ઉજવણી કરનાર બે ખેલાડીઓ વિરુદ્ધ ફરિયાદ કરી
BCCIએ ઉશ્કેરણીજનક ઉજવણી કરનાર બે પાકિસ્તાની ખેલાડીઓ સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને બોર્ડે આ મામલે આઈસીસીને આ અંગે ફરિયાદ કરી છે.
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025માં પાકિસ્તાનને બે વાર ખરાબ રીતે હરાવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી બંને મેચ દરમિયાન અરાજકતા જોવા મળી હતી. પહેલી મેચ પછી હાથ મિલાવવાનો વિવાદ શરૂ થયો હતો કારણ કે ટીમ ઈન્ડિયાએ મેચ પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો. જેના સંદર્ભમાં PCBએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ વિરુદ્ધ ICC ને ફરિયાદ કરી હતી અને ICC એ તેને ફગાવી દીધી હતી. સુપર-4 મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓનું શરમજનક વર્તન જોવા મળ્યું હતું જેનાથી ભારતીય ફેન્સ પણ ગુસ્સે થયા હતા. હવે BCCI એ આ અંગે કડક કાર્યવાહી કરી છે.
BCCIએ હેરિસ-સાહિબઝાદા વિશે કરી ફરિયાદ
ભારત સામેની સુપર ફોર મેચમાં હરિસ રૌફના વિવાદાસ્પદ હાવભાવ અને સાહિબઝાદા ફરહાનના વિવાદાસ્પદ બંદૂકના સેલિબ્રેશનથી વ્યાપક હોબાળો મચી ગયો હતો. ભારતીય ફેન્સ અને ભૂતપૂર્વ ક્રિકેટરોને પાકિસ્તાની ખેલાડીઓની આ હરકતો પસંદ ન આવી. BCCI અને ICC એ હવે હરિસ રૌફ અને સાહિબઝાદા ફરહાન સામે ફરિયાદ નોંધાવી છે. મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ હવે આ મામલે કાર્યવાહી કરશે.
રમતની ભાવનાનો અનાદર કર્યો હરિસ રૌફ અને સાહિબજાદા ફરહાને
એક રિપોર્ટ મુજબ, BCCIએ ICCને જાણ કરી હતી કે હરિસ રૌફ અને સાહિબજાદા ફરહાને રમતની ભાવનાનો અનાદર કર્યો હતો અને મેદાન પર અયોગ્ય વર્તન કર્યું હતું. ફરહાને અડધી સદી ફટકાર્યા પછી બંદૂક સાથે ઉજવણી કરી હતી, અને હરિસ રૌફે સંજુને આઉટ કર્યા પછી વધુ પડતી આક્રમકતા દર્શાવી હતી. મેચ દરમિયાન, પાકિસ્તાની ખેલાડીઓએ વારંવાર વિરોધી ટીમ તરફ ઉશ્કેરણીજનક હાવભાવ કર્યા હતા.
BCCI કરી ફરિયાદ
BCCIએ આ ફરિયાદ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સમક્ષ નોંધાવી હતી, એ જ એન્ડી પાયક્રોફ્ટ જેની સામે પાકિસ્તાને અગાઉ આઈસીસીને ફરિયાદ કરી હતી. BCCIએ ફરિયાદમાં વીડિયો પુરાવા પણ પૂરા પાડ્યા હતા. વધુમાં, તેણે જણાવ્યું હતું કે સાહિબઝાદાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમને તેમના કૃત્યો બદલ કોઈ પસ્તાવો નથી.
શું કહ્યું સાહિબજાદા ફરહાને?
પોતાના બંદૂક સેલિબ્રેશન વિશે, સાહિબજાદા ફરહાને કહ્યું, હું સામાન્ય રીતે અડધી સદી ફટકાર્યા પછી ઉજવણી કરતો નથી, પરંતુ અચાનક મને વિચાર આવ્યો કે આજે હું કંઈક અલગ કરીશ, અને તે થયું. તે ફક્ત એક ક્ષણ હતી.
