ડ્રેનેજલાઇનમાં વહી ગયેલા આધેડનો 9 કલાક બાદ મૃતદેહ મળ્યો:5 ઇંચ વરસાદમાં જ અમદાવાદીઓની હાલત કફોડી
અમદાવાદ શહેરમાં 25 જૂનને બુધવારે સાંજે 7 વાગ્યા બાદ પડેલા ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. પૂર્વ વિસ્તારમાં મણિનગર, વટવા, સીટીએમ, હાટકેશ્વર, નિકોલ ઓઢવ અને વિરાટનગર સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ઓઢવના અંબિકાનગર મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં ડ્રેનેજલાઈનમાં એક બાઈકચાલક તણાઈ ગયો હતો. ફાયરબ્રિગેડે 9 કલાકની ભારે જહેમત બાદ તેનો મૃતદેહ ડ્રેનેજલાઈનના 200 ફૂટ દૂરથી શોધી કાઢ્યો હતો.
રાતે 8.50એ ફાયર વિભાગને આધેડ પાણીમાં ગુમ થયાનો કોલ મળ્યો હતો
ઓઢવ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર સ્વરૂપદાન ગઢવીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાત્રે 8:50 વાગ્યાની આસપાસ ઓઢવ ફાયર સ્ટેશનને માહિતી મળી હતી કે ઓઢવ અંબિકાનગરની મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલની બાજુમાં ડ્રેનેજલાઈનના ખાડામાં બાઈક સાથે એક વ્યક્તિ પડી ગઈ છે, જેથી ઓઢવ ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ સાથે ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. નિકોલ ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે આવવા માટે નીકળી હતી. ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ત્યારે ડ્રેનેજલાઈનનો ખાડો હતો, જેમાં ખૂબ પાણી ભરાયેલું હતું. સતત વરસાદ પડી રહ્યો હતો. ઘટનાસ્થળ ઉપર સ્થાનિક લોકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે બાઈક સાથે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતી હતી અને તરત જ કાબૂ ગુમાવતાં તે પાણીમાં પડ્યો હતો અને ખાડામાં ગરકાવ થઈ ગયો હતો.
પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યૂ મુશ્કેલ બન્યુંખારીકટ કેનાલની બાજુમાં મોટી ડ્રેનેજલાઈનનો ખાડો અને તેમાંથી સીધી ડ્રેનેજલાઈન ખારીકટ કેનાલમાં નીકળતી હતી, જેને આજુબાજુ બેરિકેડ્સ કરેલાં હતાં અને ભારે વરસાદના કારણે પડી ગયેલાં હતાં. બાઈકચાલક વ્યક્તિ ડ્રેનેજલાઈનમાં પાણીમાં વહી ગઈ હોવાની શંકા હતી, જોકે વરસાદ સતત ચાલુ અને પાણીનો પ્રવાહ ખૂબ જ હતો, જેના કારણે ડ્રેનેજલાઈનમાં જવું શક્ય નહોતું. તેમ છતાં પણ અન્ય સાધનોની મદદથી ડ્રેનેજલાઈનમાં જો આગળ ક્યાંય આધેડ ફસાઈ ગયો હોય તો શોધવાની કામગીરી શરૂ કરી હતી. રાત્રે બે વાગ્યા સુધી સતત પ્રયાસ કર્યા હતા, પરંતુ ખૂબ જ પાણી હોવાના કારણે અંદર જઈ શકાય એવી સ્થિતિ નહોતી.
200 ફૂટ દૂરથી આધેડનો મૃતદેહ મળ્યો
વહેલી સવારે 4:00 વાગ્યા સુધી ડ્રેનેજલાઈનમાં પાણી ઓછું થયું હતું અને ફાયરબ્રિગેડના કર્મચારી અંદર ઊતરીને એનું માત્ર મોઢું દેખાઈ શકે એટલું પાણી હોવાથી ફાયરબ્રિગેડના ત્રણ કર્મચારીને સેફટીનાં સાધનો, જેવા કે શરીર પર દોરડા બાંધી, ટોર્ચ-લાઈટ અને વાંસ જેવાં સાધનો સાથે મોટી ડ્રેનેજલાઈનમાં ઉતારવામાં આવ્યા હતા. આશરે 200 ફૂટ દૂર જતાં એક ફાયરમેનના પગમાં બાઈક આવી હતી, જેથી નીચે તપાસ કરતાં ડેડબોડી જેવું પણ હતું. ફાયરબ્રિગેડના કર્મચારીઓ બહાર આવીને બીજું ઓરડુ લઈ ગયા હતા. સૌપ્રથમ ડેડબોડીને બાઈકની નીચેથી ઊંચી કરી અને દોરડા વડે બાંધી હતી. બાદમાં એને 200 ફૂટ બહાર ખેંચી હતી.
આધેડ અંબિકાગરના બેલા પાર્કમાં રહેતા હતા
ખૂબ ભારે જહેમત બાદ મૃતદેહને બહાર લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરીથી બીજા બે ફાયરમેન સાથે કુલ પાંચ જણા બાઈક લેવા માટે અંદર ગયા હતા, કારણ કે ખૂબ ભારે બાઈક હતી અને બહાર નીકળવામાં તકલીફ પડતી હતી, જેથી બાઈક પર દોરડું બાંધીને ફાયરમેન દ્વારા બાઈક પણ બહાર કાઢવામાં આવી હતી. ઓઢવ અને નિકોલ ફાયર સ્ટેશનના ફાયરમેન નવઘણ ભરવાડ, મહેન્દ્રસિંહ સોલંકી, ભરતભાઈ દેસાઈ, રામસિંહ સિસોદિયા અને મદનસિંહ દ્વારા 200 ફૂટ સુધી ડ્રેનેજલાઈનમાં ગળા સુધી પાણીમાં ફાયરબ્રિગેડના જવાનોએ ભારે મહેનત કરી અને 9 કલાક બાદ બાઈક અને લાપતા વ્યક્તિને શોધી કાઢી હતી. મૃતકનું નામ મનુભાઈ પંચાલ (ઉંમર વર્ષ 52) અને ઓઢવના અંબિકાનગર પાસે આવેલા બેલા પાર્કમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
10 કલાક બાદ પણ પાણી ન ઓસર્યાં
શહેરના હાટકેશ્વર વોર્ડમાં વરસાદ બંધ થયાના 10 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસર્યાં નથી. સીટીએમ એક્સપ્રેસ હાઈવે સામેના રાજેશપાર્ક પાસે આવેલાં ઉદગમ વિદ્યાલય, અર્ચના વિદ્યાલય અને ધ મધર અંગ્રેજી સ્કૂલના સંકુલમાં વહેલી સવારે પણ વરસાદી પાણી ભરાયેલાં હતાં. પાણી ઓસર્યાં ન હોવાથી શૈક્ષણિક કાર્ય શાળા સંચાલકોને બંધ રાખવાની ફરજ પડી હતી. સ્કૂલના ક્લાસરૂમ અને સંકુલમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નહિ. હાટકેશ્વર સર્કલ અને આસપાસના વિસ્તારોમાં આવેલાં ઘરોમાં મોડીરાત સુધી પાણી ભરાઈ રહ્યાં હતાં. પાણીનો ઝડપી નિકાલ ન થયો હોવાને કારણે લોકોને આખી રાત પાણીમાં કાઢવી પડી હતી.
તોતિંગ જાડ પડતાં બન્ને સાઈડનો રોડ બ્લોક
શહેરમાં સાંજે પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષ પડવાની અને રોડ બેસી જતાં વાહનો ફસાવાની ફરિયાદો ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમને મળી હતી. નારણપુરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે આજે (26 જૂન) ગુરુવારે સવારે તોતિંગ લીમડાનું વૃક્ષ ધરાશાયી થતાં બંને તરફના રોડ બ્લોક થતાં વાહનચાલકો અટવાયા હતા. સવારે સ્કૂલે જતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. ટ્રાફિક-પોલીસ અને કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા ઘટનાસ્થળે પહોંચી અને રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. સાંજે વટવા સ્મશાન પાસે મુખ્ય રોડ પર ઝાડ પડ્યું હતું. ફાયરબ્રિગેડ દ્વારા ઝાડ કાપી રોડ ખુલ્લો કરી આપ્યો હતો. ભાઇપુરા ભગવાન દાસની ચાલીમાં એક મકાન પડ્યું હતું, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી.
CTM પાસે કેનાલમાં ઇકો ગાડી પડતાં ક્રેનથી બહાર કઢાઈ
અમરાઈવાડી સિદ્ધેશ્વરી સોસાયટીના મકાનમાં પાણી ભરાતાં માણસો ફસાયેલા હતા. તમામ માણસોને સહીસલામત ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢવામા આવ્યા હતા. કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ આરએફની ગાડી કીચડમાં ફસાયેલી હતી. JCBની મદદથી ગાડી બહાર કાઢી આપી હતી. CTM પાસે કેનાલમાં એક ઇકો ગાડી પડી હતી, જેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી, જ્યારે ગોમતીપુર મનુભાઈ ગાર્ડનની દીવાલ પડી જતાં ગાડીઓ દબાઈ ગઈ હતી, જોકે એમાં કોઈ જાનહાનિ થઈ નથી.