સુરત સિવિલ હોસ્પિટલમાં યુવતીનો આપઘાત: મૃતકે 10 દિવસ પહેલાં જ બાળકને આપ્યો હતો જન્મ
સુરત સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી ડિલિવરી માટે 10 દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ થઈ હતી. બાળકને જન્મ આપ્યા બાદ યુવતી ગઈકાલે અચાનક હોસ્પિટલમાંથી ગુમ થઈ હતી, ત્યારે આજે સવારે સ્ટેમસેલ બિલ્ડિંગ સામે આવેલા ઝાડ પર યુવતીની લટકતી હાલતમાં લાશ મળી આવી છે. આ ઘટના અંગે જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતકે 10 દિવસ પહેલાં જ બાળકને આપ્યો હતો જન્મ
મૃતક પૂજા કુશવાહ મૂળ યુપીની રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી સુરતના હજીરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી. યુવતીને પહેલી ડિલિવરી હોવાથી 10 દિવસ પહેલાં જ દુખાવો ઊપડતાં તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. બાળક બીમાર હોવાથી હોસ્પિટલમાં 10 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.
ઝાડ પર યુવતીની લટકતી હાલતમાં મળી આવી લાશ
જોકે મૃતક યુવતી ગઈકાલ રાતથી હોસ્પિટલમાંથી અચાનક ગુમ થઈ ગઈ હતી, જેથી પરિવારે મોડીરાત સુધી તેની શોધખોળ કરી હતી, પરંતુ આજે સવારે સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગની સામે ઝાડ પર તેની લટકતી હાલતમાં લાશ મળી હતી. એને કારણે 10 દિવસના બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારે આ અંગે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
