9 મહિનામાં સોનામાં 49% અને ચાંદીમાં 60%નો થયો ભાવ વધારો
સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યા છે. અગ્રણી વૈશ્વિક રોકાણ બેંક ગોલ્ડમેન સૅક્સે અંદાજે 50%નો મોટો વધારો થવાનો અંદાજ લગાવ્યો છે. બેંક માને છે કે વિશ્વભરમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાઓને કારણે સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે.
ગોલ્ડમેન સૅક્સના તાજેતરના અહેવાલ મુજબ, બેંકે આવતા વર્ષ સુધીમાં સોના માટે પ્રતિ ઔંસ $5,000નો ઊંચો લક્ષ્યાંક નક્કી કર્યો છે. વર્તમાન વિનિમય દરે, ભારતીય ચલણમાં આ કિંમત આશરે ₹155,000 પ્રતિ 10 ગ્રામ થશે. આ સોનાના વર્તમાન બજાર ભાવ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.
સોનાનો ભાવ 1.44 લાખ રૂપિયા સુધી વધી શકે !
બ્રોકરેજ ફર્મ પીએલ કેપિટલના ડિરેક્ટર સંદીપ રાયચુરાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ હાલના ₹114,000 પ્રતિ 10 ગ્રામના સ્તરથી વધીને ₹144,000 સુધી પહોંચી શકે છે. 23 સપ્ટેમ્બર, 2025ના રોજ, યુએસ સ્પોટ ગોલ્ડ પ્રતિ 10 ગ્રામ ₹113,800 પર પહોંચ્યું, જે બે વર્ષ પહેલાના સ્તર કરતા લગભગ બમણું હતું.
રશિયા સહિત અનેક દેશો વચ્ચેના તણાવ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તીખા નિવેદનો અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ ઘટાડાની અપેક્ષાઓને કારણે સોનાના ભાવમાં સતત છઠ્ઠા સપ્તાહે વધારો થયો છે.
આ વર્ષે અત્યાર સુધીમાં સોનાએ 49% અને ચાંદીએ 60% આપ્યું વળતર
શુક્રવારે સ્થાનિક બજારમાં, 24 કેરેટ સોનાનો ભાવ ₹113,261 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ ₹103,748 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. ચાંદી પણ ₹1,060 વધીને ₹138,100 પ્રતિ કિલોગ્રામની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગઈ.
આ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં 49% અને ચાંદીમાં 60% વળતર મળ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના કવિતા ચાકોના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરની શરૂઆતમાં રોકાણકારોએ સુરક્ષિત સંપત્તિ તરીકે સોનાની ખરીદી કરી હોવાથી ભાવમાં 6.7%નો વધારો થયો હતો.
