GMDCમાં પાણી હોવાથી આજે વાઇબ્રન્ટ નવરાત્રિ પર જોખમ
નવરાત્રિના સાતમા દિવસે વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો હતો. 28 સપ્ટેમ્બરે અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે પાર્ટી પ્લોટોમાં ગરબા રદ કરવામાં આવ્યા હતા. આજે 29 સપ્ટેમ્બરે જો બપોર બાદ વરસાદ ન પડે તો અનેક ગરબા ગ્રાઉન્ડમાં ફરી આજે ગરબા થઈ શકે છે. ગઈકાલે જે પણ ગરબા આયોજનો રદ થયાં છે એના પાસ પર આજે ગરબામાં લોકોને પ્રવેશ મળશે. કેટલાંક ગરબા ગ્રાઉન્ડ સવારે તડકો નીકળ્યો હોવાના કારણે સુકાઈ ગયાં છે, જ્યારે કેટલાંક ગ્રાઉન્ડમાં હજી સુધી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા થઈ શકી નથી તેમજ GMDC ગ્રાઉન્ડમાં પાણી હોવાથી આજે પણ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ મોકૂફ રહી શકે છે.
બીજી તરફ સરદાર પટેલ રિંગરોડ પર આવેલા શુભ મંડલી અને કેસરી રાત ગરબાનું ગ્રાઉન્ડ સુકાઈ ગયું છે, જેથી આજે આ બંને જગ્યાએ ગરબા યોજાય એવી શક્યતા છે, જોકે આ બંને ગરબા ગ્રાઉન્ડ ઉપર જવાના રોડ અને પાર્કિંગ પ્લોટમાં પાણી ભરાયેલાં અને કાદવ-કીચડ જોવા મળ્યો છે.
મંડપમ ગરબા ગ્રાઉન્ડમાં કાદવ-કીચડ
સરદાર પટેલ રિંગરોડ પર ઓગણજ સર્કલથી ભાડજ સર્કલ તરફ જવાના રોડ ઉપર આવેલા અને યુવાનોમાં સૌથી પ્રખ્યાત એવા મંડપમ ગરબા ગ્રાઉન્ડમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં હતાં. ગરબા આયોજક દ્વારા વહેલી સવારથી જ કાદવ-કીચડ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં નાનાં જેસીબી અને ટ્રેક્ટર તેમજ મજૂરોની મદદથી હાલમાં ગ્રાઉન્ડને સરખું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ ગ્રાઉન્ડમાં કાદવ-કીચડ છે, જેથી આજે મોડીસાંજ સુધીમાં સાફ-સફાઈ કરીને ખેલૈયાઓ ફરીથી ગરબાની મોજ માણી શકે એ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગઈકાલે 28 સપ્ટેમ્બરના રોજ એક દિવસ માટે જે ગરબા રદ કરવામાં આવ્યા હતા, તેના ખેલૈયાઓ અને આજના ખેલૈયાઓ ફરીથી ગરબા ગ્રાઉન્ડમાં ગરબાની મોજ માણી શકે.
