અલકનંદા નદીમાં ખાબકેલી બસમાં સુરતનો સોની પરિવાર હતો
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી છે. આ અકસ્માત ઘોલથીરમાં બદ્રીનાથ હાઇવે પર થયો હતો. આ ટ્રાવેલ્સમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના 20 લોકો હતા, જેમાંથી 3ના મોત થયા છે. જેમાં એક ગુજરાતી સામેલ છે, જ્યારે 8 ઘાયલ થયા છે. તે જ સમયે, 9 લોકો હજુ પણ ગુમ છે. મુસાફરો બેઠા હતા. વહીવટીતંત્ર દ્વારા મૃતકોની યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.આ બસમાં સુરતના સિલિકોન પેલેસમાં રહેતા ઈશ્વર સોની, ભાવના સોની, ડ્રીમી સોની, ભવ્ય સોની અને ચેષ્ટા સોની પણ હતા. જેમાંથી ડ્રીમી સોનીનું મોત થઈ ગયું છે.
સુરતના પર્વત પાટિયા ખાતે રહેતા પરિવારને ઉતરાખંડના રુદ્રપ્રયાગ ખાતે અકસ્માત નડતા તેમના ઉપર આભ તૂટી પડ્યું છે. સિલિકોન પેલેસમાં રહેતા ઇશ્વરભાઇ સોની જે વિધાતા જ્વેલર્સ સાથે સંકળાયેલા છે. જ્વેલરી શોરૂમના તેઓ માલિક છે. ઉત્તરાખંડ ખાતે તેઓ રુદ્રપ્રયાગ સહિતના ધાર્મિક સ્થળે યાત્રા કરવા માટે નીકળ્યા હતા તે દરમિયાનના અકસ્માત થયો છે.
મૃતક ડ્રીમીની ખાસ મિત્ર દિયા નિકમે જણાવ્યું કે, તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી તેણીએ 12 સાયન્સમાં ખૂબ જ મહેનત કરીને 89% મેળવ્યા હતા. એના સપના એવા હતા કે જે એવરેજ વિદ્યાર્થીઓ ના જોઈ શકે. ખૂબ જ મિલનસાર સ્વભાવ હતો. તમામ લોકો સાથે ખૂબ જ હળીમળીને રહેતી હતી. બાળપણથી અમે એકબીજાના મિત્રો હતા. આઇઆઇટીમાં એડમિશન લઈને તે એન્જિનિયરિંગ ક્ષેત્રે ખૂબ મોટું નામ કરવા માંગતી હતી. માત્ર સપનું ન હતું પરંતુ તેને પ્રાપ્ત કરવા માટે તે સખત મહેનત કરતી હતી. ધોરણ 12 સાયન્સનું અત્યારે જે પરિણામ આવ્યું છે, તેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે તે 90% કરતા વધારે મેળવી શકે તેવી બ્રિલિયન્ટ વિદ્યાર્થિની હતી. હું તેને ક્યારેય ભૂલી શકું તેમ નથી.
સુષ્મા જૈને જણાવ્યું કે ઈશ્વર સોની જે અમારા પડોશી છે અને તેઓ ધાર્મિક યાત્રાએ ગયા છે તેમના આખા પરિવારના પાંચ લોકો જે છે તે આ પ્રવાસમાં ગયા હતા સાથે સાથે અમને એવું જાણવા મળ્યું છે કે રાજસ્થાન ખાતેના તેમના પરિવારના લોકો પણ આ પ્રવાસમાં તેમની સાથે જોડાવાના છે. પરંતુ એ કેટલા લોકો છે તે અંગે અમને કોઈ માહિતી મળી રહી નથી. અત્યારે અમને જાણવા મળ્યું છે તે પ્રમાણે અહીંથી જે પાંચ લોકો ગયા છે. તે પૈકીના ત્રણ લોકો જીવે છે જેને અમે જોયા છે પરંતુ તેમની બે દીકરી હજી અમને દેખાઈ નથી તેમના અંગે કોઈ પણ પ્રકારની માહિતી અમને મળી નથી.
ચંદ્રપ્રકાશ જૈનને જણાવ્યું કે રુદ્રપ્રયાગ ખાતે તેઓ પ્રવાસે ગયા હતા અમને જાણવા મળ્યું છે કે અલક નંદા નદીમાં તેમની બસ ખાબકી છે અત્યારે અમને સમાચાર મળ્યા છે, તે પ્રમાણે તેમના પરિવારના પાંચ લોકો પૈકી ઇશ્વરભાઇ અને તેમની વાઈફ અને તેના બાળક તો સલામત હોવાનું અત્યારે અમને જાણવા મળી રહ્યું છે. પરંતુ તેમની બે દીકરીને લઈને અમને અત્યારે કોઈ પણ પ્રકારના મેસેજ મળી રહ્યા નથી. અમે તેમને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. તેમની એક દીકરી ડ્રીમીએ હાલ અત્યારે ધોરણ 12ની પરીક્ષા પણ પાસ કરી હતી.