અનિરુદ્ધસિંહની સજા માફી સામે અરજી કરનાર પર છરીથી હુમલો
નવરાત્રિના આઠમા દિવસે રાજકોટમાં ગરબાની રમઝટ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં VIP સીટિંગ પર બેઠેલા એક શખસને અન્ય VVIP આવતા હોવાથી પાછળ બેસવા જવાનું કહેતાં ગરબાના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી કરી હતી. એમાં તેને કાર્યકર્તાઓ બહાર લઈ જતાં ત્યાં તે શખસે છરી કાઢી હતી અને મારામારી થઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકોને છાતી, કાન અને હાથ સહિતના ભાગે ઈજા પહોંચતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં હુમલાખોરને પણ ઈજા પહોંચતાં પોલીસે તેને સારવારમાં ખસેડ્યો છે. ઘટનાની જાણ થતાં મોડીરાતે DCP ઝોન 2 રાકેશ દેસાઈ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ત્રણ ઇજાગ્રસ્તમાંથી મૌલિક પરસાણા ખોડલધામના નોર્થ ઝોનના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પરસાણાના કૌટુંબિક ભત્રીજો છે અને મૌલિક પોતે બિલ્ડર છે. જ્યારે હરેશ ઉર્ફે હરિભાઈ સોરઠિયા પૂર્વ ધારાસભ્ય પોપટ લાખાનો પૌત્ર છે. તેણે જ અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. આ અરજીને પગલે તાજેતરમાં અનિરુદ્ધસિંહને જેલ જવાનો વારો આવ્યો છે. જ્યારે ઈજાગ્રસ્ત અશોક ફળદુ બોરવેલનો ધંધાર્થી છે. આરોપી મહેકગિરિ જગદીશગિરિ ગોસ્વામીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બીજા સોફા પર બેસવા જવાનું કહેતાં બોલાચાલી થઈ હતીઃ ACP આ મામલે એસીપી બી. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે ખોડલધામ રાસ-ગરબાનું આયોજન કર્યું ત્યાં પલસાણા ચોક રિંગ રોડ નજીક મારામારીનો બનાવ બન્યો હતો. એક કપલ પાસ લઈને બેઠું હતું એ સમયે કોઈ VVIP ગેસ્ટ આવવાના હોવાથી તેમને વિનંતીપૂર્વક જાણ કરી કે તમે થોડા બીજા સોફા પર બેસવા જતા રહો. આ બાબતે થોડી બોલાચાલી થઈ અને મારામારી થઈ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિ મૌલિક પરસાણા, હરિભાઈ સોરઠિયા અને અશોક ફળદુને ઈજા પહોંચી અને તેઓ હાલ સારવારમાં છે, ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે હુમલો કરનાર મહેકગિરિ જગદીશગિરિ ગોસ્વામી છે અને તે લાઈટ હાઉસ અટલ સરોવર નજીક રહે છે. તેને પણ થોડી ઈજા પહોંચી છે, માટે સારવાર હેઠળ છે, તેમ છતાં તેને પોલીસ હસ્તગત કરવામાં આવ્યો છે.
પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાનો અંતિમ દિવસ 18 સપ્ટેમ્બર
ઉલ્લેખનીય છે કે 18 સપ્ટેમ્બરના રોજ પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાનો અંતિમ દિવસ હતો, જોકે સુપ્રીમ કોર્ટે તેમને એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો, જે પાછળથી હટાવી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ અનિરુદ્ધસિંહે સરેન્ડર કર્યું હતું, તેઓ હાલ જૂનાગઢ જેલમાં છે.
