મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતિ, PM મોદી પહોંચ્યા રાજઘાટ
આજે 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 121મી જન્મજયંતિના અવસરે દેશભરમાં અહિંસા, સત્ય અને દેશભક્તિના સંદેશાઓ ગુંજી રહ્યા છે. ઉપરાંત આજના દિવસે લોકો વિજયાદશમી અથવા દશેરાની ઠેરઠેર ઊજવણી કરી રહ્યા છે, જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીઓ, વિપક્ષી નેતાઓ અને અન્ય મહાનુભાવો સાથે દિલ્હીના રાજઘાટ અને વિજય ઘાટ ખાતે બંને મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે સાંજે પીએમ મોદી દિલ્હીના યમુનાપાર વિસ્તારના આઈપી એક્સટેન્શનમાં ઉત્સવ ગ્રાઉન્ડ ખાતે રામલીલામાં ભાગ લેશે, જ્યાં તેઓ રાવણના વિશાળ પૂતળાનું દહન કરશે.
મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર PM મોદીએ શ્રદ્ધાંજલિ કરી અર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અગાઉ, ગાંધી જયંતિ પર બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે તેમણે લખ્યું, "ગાંધી જયંતિ એ આપણા પ્રિય બાપુના અસાધારણ જીવનને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે, જેમના આદર્શોએ માનવ ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો. તેમણે દર્શાવ્યું કે હિંમત અને સરળતા કેવી રીતે મહાન પરિવર્તનના સાધન બની શકે છે. તેમણે સેવા અને કરુણાની શક્તિને લોકોને સશક્ત બનાવવા માટે આવશ્યક માન્યું. વિકસિત ભારત બનાવવાના અમારા પ્રયાસમાં અમે તેમના માર્ગ પર ચાલતા રહીશું."
PM મોદીએ વિજય ઘાટ ખાતે લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી
ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય ઘાટની મુલાકાત લીધી અને લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી. લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપતા તેમણે X પર લખ્યું, "શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી એક અસાધારણ રાજનેતા હતા જેમની પ્રામાણિકતા, નમ્રતા અને નિશ્ચય એ પડકારજનક સમયમાં પણ ભારતને સશક્ત બનાવ્યું. તેઓ અનુકરણીય નેતૃત્વ, શક્તિ અને નિર્ણાયક પગલાંનું પ્રતીક હતા. 'જય જવાન જય કિસાન' ના તેમના આહ્વાનથી આપણા લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થઈ. તેઓ આપણને એક મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે પ્રેરણા આપતા રહે છે."
