Loading...

મનરેગા કૌભાંડ મામલે હીરા જોટવા બાદ તેમના દીકરાની ધરપકડ

ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના મનરેગા યોજનાનાં 430 જેટલાં કામમાં 7.30 કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા બાદ તેમના દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ SITની રચના કરવામાં આવી હતી. પોલીસ ગત મોડીરાત્રે ગીર સોમનાથથી હીરા જોટવાને ભરૂચ લઇ આવી હતી. ત્યાં પૂછપરછ બાદ હીરા જોટવા અને હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરવામાં આવશે.

જ્યારે બપોર બાદ આજે ભરૂચ એસપીએ સત્તાવાર હીરા જોટવાના દીકરા દિગ્વિજય જોટવાની ધરપકડ કરાઈ હોવાની મીડિયાને માહિતી આપી હતી.દરમિયાન મીડિયા સમક્ષ હીરા જોટવાએ નિવેદન કર્યુ હતું કે, સત્ય પરેશાન થઈ શકે પરંતુ પરાજિત નહીં..સત્યનો વિજય થશે..

430 કામમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ 

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાનાં 56 ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલાં 430 કામમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ ગ્રામ વિકાસ એજન્સીના પ્રાયોજના અધિકારીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યાર બાદ ભરૂચ SP મયૂર ચાવડાએ સમગ્ર કૌભાંડની તપાસ માટે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી હતી. સીટની ટીમે ત્રણેય તાલુકાનાં ગામડાંની મુલાકાત લીધી હતી અને નિવેદનો લીધાં હતાં.

બંને એજન્સીએ બે વર્ષમાં ગોબાચારી કરી 

SITની ટીમે ત્રણેય તાલુકાના શ્રમિકો અને કર્મચારીઓનાં નિવેદનો લીધાં બાદ જલારામ એન્ટરપ્રાઇઝના પીયૂષ રતિલાલ નુકાણી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા નારણ સભાડના નામજોગ તથા તપાસમાં નીકળે એ સરકારી અધિકારી, કર્મચારી તથા આઉટસોર્સ આધારિત કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી. બંને એજન્સીએ 20મી જાન્યુઆરી 2023થી 30 મે 2025 દરમિયાન કરેલાં કામોમાં આ ગોબાચારી કરી હતી.

તપાસમાં હીરા જોટવાનું નામ ખૂલ્યું 

બંને એજન્સી પાસે મનરેગાનાં કામોમાં મટીરિયલ સપ્લાય કરવાનો કોન્ટ્રેક્ટ હતો, પરંતુ તેમણે ઓછું મટીરિયલ સપ્લાય કરીને વધારે મટીરિયલ બનાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું. SITની ટીમની તપાસમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવાનું નામ સામે આવ્યું હતું.

મધરાતે પોલીસ ગીર સોમનાથથી ભરૂચ લાવી 

જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીના માલિકો સાથે હીરા જોટવાને શું સંબંધ છે એ સહિતની વિગતો મેળવવા માટે ભરૂચ પોલીસ ગતરાત્રે કોંગ્રેસના નેતા હીરા જોટવાને પૂછપરછ માટે ગીર સોમનાથથી ભરૂચ લઇ આવી હતી, જ્યાં પૂછપરછ બાદ મોડીરાત્રે હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ બંનેને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરશે.