રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતનાં મહેમાન બનશે
ગુજરાતના ગૌરવ અને એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણ ગીર અભ્યારણ્યના પ્રવાસીઓ માટે એક અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંભવિત ગુજરાત પ્રવાસ અને સિંહ દર્શન કાર્યક્રમને કારણે, સામાન્ય રીતે ચોમાસાના ચાર મહિના માટે બંધ રહેતું ગીર જંગલ આ વર્ષે નિર્ધારિત સમય કરતાં લગભગ 10 દિવસ વહેલું ખુલવાની સંભાવના છે.
16મી ઓક્ટોબરના બદલે 7મી ઓક્ટોબરથી જંગલ ખૂલશે!
સામાન્ય રીતે, વન્યજીવોના સંવર્ધન અને સંરક્ષણ માટે ગીર અભ્યારણ્ય દર વર્ષે 15મી જૂનથી 16મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. જો કે, વન વિભાગના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો સંભવિત કાર્યક્રમ 10 અને 11 ઓક્ટોમ્બર દરમિયાન ગીર જંગલની બે દિવસીય મુલાકાત લેવાનો બની રહ્યો છે.
રાષ્ટ્રપતિના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, વન વિભાગે લીધો મોટો નિર્ણય
રાષ્ટ્રપતિના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, વન વિભાગે મોટો નિર્ણય લીધો છે કે પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ્યના દ્વાર 16 ઓક્ટોબરના બદલે, સંભવતઃ 7 ઓક્ટોમ્બરથી જ ખુલ્લા મૂકી દેવામાં આવશે. આ નિર્ણયથી પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે, જેઓ ચોમાસાના વિરામ પછી ગીરના જંગલોના સૌંદર્યનો વહેલો લાભ લઈ શકશે.
રાષ્ટ્રપતિના સ્વાગત માટે જિલ્લા તંત્ર સજ્જ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની આ સંભવિત મુલાકાત એ માત્ર ગીર માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાસણ ગીરમાં વન વિભાગ ઉપરાંત જિલ્લાના અન્ય વહીવટી વિભાગના અધિકારીઓની દોડધામ જોવા મળી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
રાષ્ટ્રપતિના આ કાર્યક્રમને કારણે ગીરનું જંગલ વહેલું ખૂલવાની શક્યતા છે, જે સિંહ દર્શનના શોખીનો માટે એક મોટી ભેટ સમાન છે. વન વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ અભ્યારણ્ય ખોલવાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે.
