આવતીકાલે ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ,આજે 11 થી 2 વાગ્યા સુધી ભરાશે ફોર્મ
2 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે. આજે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. સવારે 11 થી 2 વાગ્યા દરમિયા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાશે. પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ જ નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરશે. આ સાથે જ ગુજરાત ભાજપને 11માં પ્રમુખ મળશે.
ગુજરાત ભાજપના પ્રદેશ પરિષદના 292 સભ્ય પ્રદેશ પ્રમુખ વોટિંગથી પસંદગી કરશે. આ જ 292 સભ્ય રાષ્ટ્રીય પરિષદના 29 સભ્યોની પણ પસંદગી કરશે. ઉલ્લેખનીય છે કે, તમામ રાજ્યના રાષ્ટ્રીય પરિષદના સભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરતા હોય છે.
ભાજપ દર 3 વર્ષે સંગઠનાત્મક ચૂંટણી કરાવે છે – સૌથી પહેલાં બૂથ, મંડળ, જિલ્લા ત્યારબાદ રાજ્ય સ્તરે ચૂંટણી થાય છે. મોટાભાગના રાજ્યોમાં (લગભગ 50% જેટલા) આ ચૂંટણી પૂર્ણ થઈ જાય પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય છે. અત્યાર સુધીમાં 29 રાજ્યોમાં આ ચૂંટણી પ્રકિયા થઈ છે ગુજરાત 30માं નંબરે છે. આ ચૂંટણી પ્રકિયા સમગ્ર ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે
ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ OBC નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક મળી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 300થી વધારે લોકો મતદાન કરશે.
કમલમમાં છેલ્લા કેટલાક દિવસોથી બેઠકોનો દોર
કમલમમાં છેલ્લા કેટલાક દિવસોથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સંગઠનમાં નવા નેતૃત્વ માટે ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસ સામે મજબૂત વ્યૂહરચના ઘડવા માટે તેમજ આવનારા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત કરવા ભાજપ તત્પર છે.કાર્યકરો અને નેતાઓમાં ઉત્સુકતા છે કે કયો ચહેરો નવા અધ્યક્ષ તરીકે સામે આવશે અને આગામી ચૂંટણીમાં પક્ષને વિજયી બનાવવા માટે નેતૃત્વ કરશે.
ઉમેદવારના નામો પર ઉચ્ચ કક્ષાએ ચર્ચા
પાર્ટીના સૂત્રો જણાવે છે કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા અધ્યક્ષની પસંદગી અત્યંત મહત્વપૂર્ણ બનશે. હાલ કમલમમાં સતત બેઠકો ચાલી રહી છે અને ઉમેદવારના નામો પર ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી રહી છે. રાજ્યના વિવિધ વિભાગો, મોરચાઓ અને સંગઠનના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય લેવાશે.
ભાજપ માટે આગામી સમયગાળો અત્યંત નિર્ણાયક
નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થતાં જ કાર્યકરોમાં નવો ઉત્સાહ જાગશે. ભાજપ માટે આગામી સમયગાળો અત્યંત નિર્ણાયક છે, કારણ કે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો સંગઠનાત્મક રીતે સક્રિય બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સંગઠનને વધુ મજબૂત કરવા અને કાર્યકરોમાં ઉર્જા ભરી દેવા નવા અધ્યક્ષનું નેતૃત્વ કામ કરશે.
કમલમ ખાતે ચહલપહલ
કમલમ ખાતે હાલ મંડપ બાંધવાનું કામ શરૂ થઈ ગયું છે. ભાજપના મુખ્ય મથકે માહોલ બદલાતો નજરે પડી રહ્યો છે. કાર્યકરો અને નેતાઓમાં ઉત્સુકતા છે કે અંતે કયા નેતાને આ જવાબદારી સોંપવામાં આવશે. મંડપ બાંધવાની શરૂઆત એનો પુરાવો છે કે પાર્ટી હવે સત્તાવાર કાર્યક્રમ માટે તૈયારીઓ કરી રહી છે.
