Loading...

નયનની હત્યાના 43 દિવસ બાદ સેવન્થ ડે સ્કૂલ શરૂ:નવા 60 CCTV, 20 સિક્યુરિટી ગાર્ડ તહેનાત

19 ઓગસ્ટના દિવસે સેવન્થ ડે સ્કૂલમાં નયન નામના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી હતી. જે બાદ વાલીઓના ઉગ્ર વિરોધના કારણે શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ વિદ્યાથીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓની તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે(3 ઓક્ટોબર) ધોરણ 10 અને 12ના વિદ્યાથીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આજે પહેલા દિવસે શાળા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓના બેગની ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કરતા પહેલા મૃતક નયનને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે.

નવા 60 CCTV, 20 સિક્યુરિટી ગાર્ડ મૂકાયા

આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં તેની ઓબ્ઝર્વર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જે ચકાસણીમાં શાળામાં લોબી અને મેદાનમાં નવા 60 CCTV લગાવવામાં આવ્યા છે. તેમજ નવા 20 જેટલા સિક્યુરિટી ગાર્ડ પણ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાખવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. કારણ કે આગામી સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે તેથી તેમનો અભ્યાસ ના બગડે તે માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. શાળામાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે તમામ વિદ્યાર્થીઓના બેગની લાઇવ ડિરેક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવા માટે તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે.

સુરક્ષા વ્યવસ્થા જોઈ શાળામાં ડર લાગતો નથી: વિદ્યાર્થી

ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાને લઈને વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે, નયન સાથે જે ઘટના બની તેનાથી આખી સ્કૂલ અને અમે બહુ દુઃખી છીએ. તેમજ જે થયું તેને અમે ક્યારેય ભૂલી શકવાના નથી. તમામ સુરક્ષા સાથે શાળા શરૂ કરવામાં આવી છે તેનાથી અમે બધા ખુશ છીએ. ઓનલાઈન અભ્યાસ વખતે બોર્ડની પરીક્ષાની ચિંતા થતી હતી. તમામ સુરક્ષાની વ્યવસ્થા જોઈને આજે શાળામાં આવતા સમયે કોઈ ડર લાગતો નથી. એક મહિના બાદ એ જ ક્લાસરૂમમાં બેસીને આજે આનંદ થઈ રહ્યો છે. ઓનલાઇન અભ્યાસમાં પૂરતું ગાઈડન્સ મળતું નહોતું જેથી આજે ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે તેનાથી અમે બધા ખૂબ ખુશ છીએ.

ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તમામ જવાબદારી શાળાની તે શરતે મંજૂરી: DEO

 અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શાળામાં બાળકોની શિસ્ત અને સલામતીની તમામ બાબતો જણાવાય તેની શરતે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત સરકારની પ્રાથમિકતા છે. શાળાને ઘણી બધી બાબતોના સૂચનો કરવામાં આવ્યા હતા. વાલીઓની સમિતિ બનાવી તેમના પણ સૂચનો લેવામાં આવ્યા હતા. શાળાને જે સૂચના આપવામાં આવે છે તે તમામ બાબતોનું શાળાએ ધ્યાન રાખ્યું છે. સીસીટીવી અને સિક્યુરિટી સ્ટાફ વધારવા માટેની સૂચના આપવામાં આવી હતી તે પૂર્ણ કરવામાં આવી છે. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનશે તો તમામ જવાબદારી શાળાની રહેશે તે શરતે આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

‘શાળાએ હજુ પણ જરૂરી દસ્તાવેજ જમા કરાવ્યા નથી તેથી બીજી તક આપી’

 સેવન્થ ડે સ્કૂલમાં ચાલતી તપાસને લઈને અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, કોલેજ અને શાળાના ગેટ અલગ અલગ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. શાળા અને કોલેજના ગેટ અલગ અલગ કરી દેવાની બાહેંધરી શાળા દ્વારા આપવામાં આવી છે. સરકારની તમામ શરતોની તપાસ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે. તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ સરકાર સમક્ષ મૂકવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા જે પણ સૂચના આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. તપાસ કમિટી દ્વારા ઘણી બધી અનિયમિતતા શાળાની સામે આવી છે. શાળાએ હજુ પણ જરૂરી દસ્તાવેજ જમા કરાવ્યા નથી. જરૂરી દસ્તાવેજ જમા કરાવવા માટેની બીજી તક શાળાને આપવામાં આવે છે. જો જરૂરી સમયમાં દસ્તાવેજ જમા નહીં કરાવે તો જે પણ અનિયમિતતા છે તેને ધ્યાને લઈ કાર્યવાહી કરવામાં આવશે.

 

Image Gallery