મહારાષ્ટ્રમાં સાઈક્લોન શક્તિનું એલર્ટ:65kmની ઝડપે ફૂંકાશે પવન
મહારાષ્ટ્ર માટે 3 થી 7 ઓક્ટોબર દરમિયાન ચક્રવાતનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે અરબ સાગરમાં ચોમાસા પછીનું આ પહેલુંચક્રવાતી વાવાઝોડું છે. શ્રીલંકાએ તેને સાઈક્લોન શક્તિ નામ આપ્યું છે.
45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
સાઈક્લોન શક્તિની અસર મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં અનુભવાશે. પવન 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. ચક્રવાતની તીવ્રતાના આધારે, પવનની ગતિ 65 કિમી/કલાક કે તેથી વધુ સુધી પહોંચી શકે છે. 5 ઓક્ટોબર સુધી મહારાષ્ટ્રના દરિયાકાંઠે ઊંચા દરિયાઈ મોજા ઉછળવાની શક્યતા છે.
આ દરમિયાન, બંગાળની ખાડી પર ભારે દબાણ સર્જાવાથી આંધ્રપ્રદેશ અને ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂર આવ્યું છે. શુક્રવારે આંધ્રપ્રદેશમાં વરસાદ સંબંધિત ત્રણ ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે. ઓડિશાના ગજપતિ જિલ્લામાં ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા છે. ઘણા લોકો ગુમ છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે સાઈક્લોન શક્તિ શુક્રવારે 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠેથી દ્વારકા તરફ આગળ વધી રહ્યું હતું. શુક્રવારે રાત્રે 9:30 વાગ્યા સુધીમાં, વાવાઝોડાનું કેન્દ્ર દ્વારકાથી લગભગ 300 કિમી પશ્ચિમમાં, કરાચી (પાકિસ્તાન) થી 330 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને પોરબંદરથી 360 કિમી પશ્ચિમમાં હતું.
સાઈક્લોન શક્તિ શરૂઆતમાં પશ્ચિમ તરફ અને પછી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે, જે શનિવારે સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે.
