Loading...

વડોદરામાં રથયાત્રા બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસકર્મીનું મોત

વડોદરા રેલ્વે સ્ટેશનથી શરુ થયેલી ભગવાન જગન્નાથની રથયાત્રા વિધિવત પૂર્ણ થઈ ચૂકી છે. રથયાત્રા દરમિયાન હજારો ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર માર્ગ ભક્તિમય બન્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાઈ. યાત્રાના માર્ગમાં ઠેર-ઠેર ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ ભક્તોને પ્રસાદ અને પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું. જોકે, આ રથયાત્રાના બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસકર્મીને એકાએક ગભરાણ અને ઊલટી થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યા સારવાર દરમિયાન જવાનનું દુખદ અવસાન થયું હતું, જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમો પણ તાત્કાલિક સયાજી હોસ્પિટલ પહોંચી હતી.

બંદોબસ્ત દરમિયાન રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં ફરજ પર હતા 

મૃતક પોલીસ જવાનનું નામ નરેશ હરજીભાઈ રાઠવા (ઉંમર 38 વર્ષ) હતું, જેઓ મૂળ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના રહેવાસી હતા. તેઓ વડોદરાના પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે રહેતા હતા અને હરણી પોલીસ મથકમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હતા. આ ઘટના રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન બની બની હતી કે, જ્યારે નરેશભાઈ રાઠવા બંદોબસ્ત દરમિયાન રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં ફરજ પર હતા, તે દરમિયાન અચાનક ગભરામણ અને ઉલટીની થતા તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું માનવામાં આવે છે, જેના કારણે આ દુ:ખદ ઘટના બની છે.

બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી 

આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સયાજી હોસ્પિટલ પહોંચી ગયા હતા અને આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ પોલીસ બેડામાં ખાલીપો ઉભો કર્યો છે અને નરેશ રાઠવાના પરિવારજનો તેમજ સાથીદારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફરજ પર રહેલ નરેશ રાઠવાના પરિવારમાં પત્ની અને બે બાળકો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેઓના મૃતદેહને સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ ખાતે ખસેડવામાં આવ્યો છે અને હાલમાં તેઓનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. બાદમાં તેઓના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.