Loading...

જગદીશ પંચાલ બન્યા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ: નવનિયુક્ત પ્રમુખને ફૂલનો હાર પહેરાવી કરાયું સ્વાગત

છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની અટકળો ચાલી રહેલી. જેનો આજે અંત આવ્યો છે. તમને જણાવી દઇએ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે. નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા હવે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ગણાશે. ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ગઇકાલે 2 વાગ્યા સુધી ફોર્મ ભરવાનો સમય હતો. જેમાં એકમાત્ર જગદીશ વિશ્વકર્માએ જ ફોર્મ ભર્યું હતું. જેથી જગદીશ વિશ્વકર્મા બિનહરીફ વિજેતા જાહેર થતા જ સત્તાવાર નહીં, પરંતુ નામ ફાઇનલ થઇ ગયેલું. જોકે આજે વિધિવત રીતે તેઓએ નવા પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો છે.

કોણ છે જગદીશ વિશ્વકર્મા?

12 ઓગસ્ટ અને 1973માં જન્મેલા જગદીશ વિશ્વકર્માએ 1998માં અમદાવાદના ઠક્કરબાપા નગરમાં બૂથ ઇનચાર્જ તરીકે પહેલી વખત મહત્વનો હોદો સંભાળ્યો હતો. આ પછી તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ બન્યા હતા. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે બજાવેલી કામગીરીની પક્ષે તેમની નોંધ લેવાઈ હતી. આ પછી તેમને ભાજપના ઉદ્યોગ સેલના સંયોજક બનાવવામાં આવ્યા હતા.

ભાજપના કદાવર નેતા છે જગદીશ વિશ્વકર્મા

જગદીશ વિશ્વકર્મા ભાજપના કદાવર નેતા છે. હાલમાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સહકાર , લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો , કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્ત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. જગદીશ વિશ્વકર્મા અમદાવાદના નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય છે, અને તેમણે ભૂતકાળમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સંગઠનમાં યોગદાન આપેલું છે.

ગુજરાતની રાજનીતિમાં જાણીતું નામ

ગુજરાતની રાજનીતિમાં જગદીશ વિશ્વકર્મા એક જાણીતું નામ છે. તેઓ માત્ર એક ધારાસભ્ય જ નહીં, પણ ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે એક અગત્યનો ચહેરો બનીને ઉભર્યા છે. જગદીશ વિશ્વકર્મા (જગદીશ પંચાલ) તરીકે પણ ઓળખાય છે. ગુજરાતના અમદાવાદ વિસ્તારમાંથી આવે છે. તેઓ ન માત્ર સંગઠનાત્મક કુશળતા ધરાવે છે, પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ તેમની મજબૂત પકડ છે. દરેક ચૂંટણીમાં ઉમેદવારો સોગંદનામામાં તેમની સંપત્તિની વિગતો નોંધાવે છે, એટલે જગદીશ વિશ્વકર્માએ તેમના ચૂંટણી સોગંદનામામાં 29 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. આ આંકડો તેમને અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય બનાવે છે.જગદીશ વિશ્વકર્માનો વ્યવસાય ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ, ડેવલપર્સ અને ઇન્ફ્રા માર્કેટિંગ સાથે સંબંધિત છે.

વ્યવસાય અને સંપત્તિ અને અભ્યાસ

રાજકારણની સાથે તેમનો મુખ્ય વ્યવસાય ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેક્ટરિંગનો છે. આર્થિક મોરચે, તેઓ અમદાવાદના સૌથી ધનીક ધારાસભ્યો પૈકીના એક છે. જગદીશ વિશ્વકર્મા રાજકીય સંગઠન, સરકારી કામકાજ અને સામાજિક પ્રભાવનું એક ઉત્તમ સમન્વય છે, જે તેમને ગુજરાતની રાજનીતિમાં એક મજબૂત આધારસ્તંભ બનાવે છે. તેમણે B.A.નો અભ્યાસ કરેલો છે. તેઓ વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટનનો શોખ ધરાવે છે.



 

Image Gallery