વાવાઝોડું ‘શક્તિ’ દ્વારકા-નલિયાથી 770 કિમી દુર:7 ઓક્ટોબરે નબળું પડશે
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત 'શક્તિ' અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે. 8 ઓકટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. અમદાવાદમાં છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહિવત્ અસર જોવા મળશે. જોકે, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું 6 ઓક્ટોબરે ગુજરાત તરફ યુ-ટર્ન લેશે. જોકે ગુજરાત વાસીઓને ડરવાની જરૂર નથી. કારણ કે, વાવાઝોડાની અસર ગુજરાત પર ખૂબ ઓછી થશે. દરિયાકાંઠે 40થી 55 કિલોમીટરની ઝડપે પવન કુકશે.
વાવાઝોડું ‘શક્તિ’ દ્વારકા-નલિયાથી 770 કિમી દુર
વાવાઝોડું ‘શક્તિ’ ઉત્તરપશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે. "શક્તિ" છેલ્લા 6 કલાક દરમિયાન 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે (5 ઓક્ટોબર) સવારે 5:30 કલાકે (IST) તે ભારતીય તટ પર, નલિયાથી 770 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં અને દ્વારકાથી 770 કિમી પશ્ચિમમાં સ્થિત છે.
7 ઓક્ટોબરે નબળું પડશે, ગુજરાત પર ખતરો નહિવત
આ વાવાઝોડું 6 ઓક્ટોબરની સવાર સુધી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ ગતિ કરવાનું ચાલુ રાખે અને ધીમે ધીમે નબળું પડે તેવી સંભાવના છે. ત્યારબાદ, તે રિકર્વ થઈને પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે અને વધુ નબળું પડશે. 7 ઓક્ટોબરના રોજ સવાર સુધીમાં તે નબળું પડીને 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાય તેવી શક્યતા છે, જેમાં પવનની ગતિ 50-60 કિમી પ્રતિકલાક (ઝટકા સાથે 70 કિમી પ્રતિ કલાક) થવાની સંભાવના છે. ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકિનારા પર 7 ઓક્ટોબર સુધી 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે (ઝટકા સાથે 65 કિમી પ્રતિ કલાક) સ્ક્વોલી પવન રહેવાની સંભાવના છે.
ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકિનારા અને પાકિસ્તાનના દરિયાકિનારા પર 7 ઓક્ટોબર સુધી દરિયાની સ્થિતિ ખરબચડીથી ખૂબ ખરબચડી રહેવાની સંભાવના છે, જેથી માછીમારોને 7 ઓક્ટોબર સુધી ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર, પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર, તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર તેમજ ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકિનારા તરફ ન જવાની સલાહ આપવામાં આવે છે.
માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના 3 ઓક્ટોબરે જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો હતો, જેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતાં. હવામાન વિભાગ તરફથી 'શક્તિ' વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 3 નંબરનું ચેતવણી સિગ્નલ જારી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે બંદર પર હળવું સંકટ અથવા ખરાબ હવામાનની સંભાવના છે. શક્તિ વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. લોકોને દરિયા કિનારે ન જવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે.
વાવાઝોડું સાયકલોન સ્ટ્રોમમાંથી નબળું પડી ડિપ્રેશનમાં ફેરવાયું
એક્સપર્ટના જણાવ્યા મુજબ શક્તિ વાવાઝોડું શનિવારે સાયકલોન સ્ટ્રોમમાંથી નબળું પડીને ડિપ્રેશનમાં ફરવાઈને ગુજરાત તરફ આવી રહ્યું છે. આ વાવઝોડું ગુજરાતને કોઈ માઠી અસર કરે તેવી શક્યતા ના બરાબર છે. તેના પાછળના બે કારણો છે. એક વાવાઝોડું નબળું પડી રહ્યું છે અને હજુ નબળું પડી શકે છે. બીજુ કોઈ પણ વાવાઝોડું જમીન નજીક આવે ત્યારે મોટાભાગે નબળું પડી જતું હોય છે. હાલ રાજ્યમાં ઉત્તર અને દક્ષિણ એમ બે પ્રકારના પવન ફૂંકાઈ રહ્યા એટલે એ પણ એક કારણ છે. 8 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે.
વાવાઝોડાની અસર કેવી રહેશે?
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળશે. 4થી 7 ઓક્ટોબર દરમિયાન બંને રાજ્યના દરિયાકાંઠે અને નજીકના વિસ્તારોમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે, 65 કિમી પ્રતિ કલાકના ઝાટકા સાથે તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે. 7 ઓક્ટોબર સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા સાથે સમુદ્રની સ્થિતિ અત્યંત તોફાની રહેવાની સંભાવના છે.
