Loading...

સિંહ દર્શનના ઓનલાઇન પરમિટમાં ગોટાળો, 2 કરોડના કૌભાંડની શંકા

ગીર જંગલમાં સિંહ દર્શન માટે આવતાં દેશ-વિદેશના પ્રવાસીઓની ઓનલાઈન પરમિટ બુકિંગમાં મોટાપાયે કૌભાંડ ચાલી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. સાસણ ગીર હોટેલ એસોસિયેશને ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી છે કે, નકલી (ડમી) બુકિંગ અને અદ્યતન મોડસઓપરેન્ડીનો ઉપયોગ કરીને માત્ર પાંચ દિવસમાં ગેરકાયદેસર રીતે 2 કરોડ રૂપિયા ખંખેરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

ડમી બુકિંગની મોડસ ઓપરેન્ડી

સિંહ દર્શન માટે વન વિભાગની સત્તાવાર વેબસાઈટ girlion.gujarat.gov.in પરથી દરરોજ સવારે, બપોરે અને સાંજે ત્રણ સ્લોટમાં કુલ 150 (તહેવારોમાં 180) પરમિટ ઓનલાઈન અપાય છે.

હોટેલ એસોસિયેશનના જણાવ્યા મુજબ, નાતાલના તહેવારો (26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર) માટે 90 દિવસ પહેલાં ખુલેલી 900 પરમિટ ગણતરીની મિનિટોમાં જ બુક થઈ ગઈ હતી. આ પાછળની મોડસઓપરેન્ડી નીચે મુજબ હોવાનું કહેવાય છે:

  • ડમી બુકિંગ: ચોક્કસ પાંચથી સાત આઈડી (ID) પરથી મોટાભાગની પરમિટોનું એડવાન્સ ડમી બુકિંગ કરી લેવામાં આવે છે.
  • મોડીરાત્રે કેન્સલેશન: જ્યારે પ્રવાસીઓ સૂતા હોય તેવા મોડીરાતના સમયે ડમી બુકિંગ કેન્સલ કરી દેવામાં આવે છે.
  • બ્લેકમાં બુકિંગ: કેન્સલ થતાં ખાલી પડેલી પરમિટોમાં બ્લેકમાં વેચાયેલી પરમિટના નવા બુકિંગ નાખી દેવામાં આવે છે.

આમ, સત્તાવાર રીતે ₹5000ની કિંમતવાળી પરમિટ તહેવાર સમયે કાળા બજારમાં ₹25,000 સુધીમાં વેચાય છે.

હોટેલ એસોસિયેશનની ઉચ્ચકક્ષાએ તપાસની માગ

પરમિટોમાં થતી આ ગોલમાલ અંગે સાસણ હોટેલ એસોસિયેશનના પ્રમુખ વિનુ જીવાણીએ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સાયબર ક્રાઈમ), ગાંધીનગરને લેખિત પત્ર લખીને ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, પાંચ દિવસની 900 પરમિટ માત્ર 20 મિનિટમાં જ બુક થઈ ગઈ હતી. જો એક પરમિટ પર ₹20,000નો ગેરકાયદેસર નફો કરવામાં આવે તો પાંચ દિવસમાં પ્રવાસીઓ પાસેથી 2 કરોડ રૂપિયા ગેરકાયદેસર ખંખેરી લેવાનો મોટો ખેલ ચાલી રહ્યો છે. આ કૌભાંડમાં સાસણના બેથી ત્રણ શખસ અને દિલ્હીથી બુકિંગ નાખતાં તેમના સાથીદારો સંડોવાયેલા હોવાની ચર્ચા સાસણ પંથકમાં થઈ રહી છે. એસોસિયેશને વન વિભાગનો અભિપ્રાય મેળવી તાકીદે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.