ટોલ-ટેક્સના નિયમોમાં મોટા ફેરફાર:UPIથી ચૂકવણી પર નહીં લાગે બમણો ચાર્જ
સરકારે ફાસ્ટેગ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. જો કોઈ વાહન માન્ય અને સક્રિય ફાસ્ટેગ વિના ટોલ પ્લાઝા પાર કરે છે અને રોકડમાં ચુકવણી કરે છે, તો તેની પાસેથી બમણી ટોલ ફી વસૂલવામાં આવશે. જો કે, જો તમે UPIનો ઉપયોગ કરીને ચુકવણી કરો છો, તો તમારે તે વાહન શ્રેણી માટે લાગુ ફીના ફક્ત 1.25 ગણા ચૂકવવા પડશે. નવો નિયમ 15 નવેમ્બરથી અમલમાં આવશે.
નવા ફેરફારો અંગે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમનો હેતુ ટોલ વસૂલાતને વધુ મજબૂત બનાવવા, ટોલ વસૂલાતમાં પારદર્શિતા લાવવા અને પ્રવાસીઓ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરીને સરળ બનાવવાનો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નિયમો ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપશે.
3,000 રૂપિયામાં એક વર્ષ માટે ફાસ્ટેગ
15 ઓગસ્ટથી, સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા લોકો માટે વાર્ષિક FASTag પાસ શરૂ કર્યો. આ પાસની કિંમત ₹3,000 છે અને તે એક વર્ષ માટે માન્ય છે. વપરાશકર્તાઓ આ પાસનો ઉપયોગ 200 વખત ટોલ પાર કરવા માટે કરી શકે છે.
સરકારનું કહેવું છે કે આનાથી ટોલ પાર કરવાનો ખર્ચ લગભગ 15 રૂપિયા ઓછો થશે અને દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટોલ પ્લાઝા પર ભીડ ઓછી થશે. આ સિંગલ પાસ ટોલ પ્લાઝા પર વારંવાર રોકાવાની અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુસાફરી માટે તમારી ટિકિટ રિચાર્જ કરવાની ઝંઝટને દૂર કરશે.
