ગિરનાર પર્વત પર ગુરુ ગૌરક્ષનાથ મંદિરમાં તોડફોડ:અસામાજિક તત્વોએ મૂર્તિ ખંડિત કરી
સમગ્ર દેશના ભાવિકોની આસ્થાનું કેન્દ્ર અને તીર્થભૂમિ ગણાતા ગિરનાર પર્વત પર એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. ગિરનાર પરિક્રમા માર્ગ પર અંદાજે 5500 પગથિયાં નજીક આવેલી નાથ સંપ્રદાયના ગુરુ ગૌરક્ષનાથની પવિત્ર જગ્યા (ગોરખ ટૂંક)માં ગઈ મોડી રાત્રે અજાણ્યા અસામાજિક તત્વોએ પ્રવેશ કરીને ભારે તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. આ કૃત્યમાં તોડફોડ કરનારા શખ્સોએ ગુરુ ગૌરક્ષનાથની મૂર્તિને પણ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે, તેમજ મંદિરના કાચના દરવાજા, પૂજાની સામગ્રી અને દાનપેટી વેરવિખેર કરી નાખી હતી.
આ ઘટનાથી ભવનાથ ક્ષેત્રના મહંત શેરનાથ બાપુ સહિત સમગ્ર સંત સમાજમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. સંતોએ ધર્મભ્રષ્ટ કૃત્ય કરનારા શખ્સોને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે. ઘટનાની જાણ થતાં જ ભવનાથ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પંચનામું કર્યું છે અને CCTV ફૂટેજની તપાસ કરીને આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવાની ખાતરી આપી છે.
ગુરુ ગોરખનાથ આશ્રમના મહંતે આક્રોશ વ્યક્ત કર્યો
આ સમગ્ર મામલે ભવનાથ ક્ષેત્રમાં આવેલા ગુરુ ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મૂર્તિ તોડવાની આ ઘટના મોડી રાત્રિના બની હોય તેવું લાગી રહ્યું છે. આ જે કૃત્ય કરવામાં આવ્યું છે તે ખૂબ જ નિંદનીય કૃત્ય છે. આ સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે અને અમે માગ કરીએ છીએ કે, પોલીસ દ્વારા આ કૃત્ય કરનારને વહેલી તકે ઝડપીને યોગ્ય અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
સંત સમાજમાં ઉગ્ર રોષ: કડક સજાની માગ
ગિરનાર એ માત્ર એક પર્વત નથી, પણ જૈન અને હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયો માટે તીર્થભૂમિ છે. આવા પવિત્ર સ્થળ પર પશુ સમાન કૃત્ય થતાં સ્થાનિક સાધુ-સંતો અને દેશભરના ભાવિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. સંત સમાજે સ્પષ્ટ માગ કરી છે કે, આ ધર્મભ્રષ્ટ કૃત્ય કરનારા શખ્સોને તાત્કાલિક ધોરણે પકડી પાડી કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવું જઘન્ય કૃત્ય કરવાની હિંમત ન કરે.
પોલીસ એક્શન મોડમાં: CCTV ફૂટેજની તપાસ શરૂ
આ બનાવની જાણ થતાં જ ભવનાથ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ગિરનાર પર્વતના 5500 પગથિયાં સુધી પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર પંચનામું કરીને ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે, રાત્રિના સમયે છૂપાઈને આવેલા કોઈ આવારા તત્વો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
ગિરનાર પર અવરજવર અને સુરક્ષા વ્યવસ્થા અંગે સઘન તપાસ
હાલમાં ભવનાથ પોલીસે ગિરનાર પર મોડી રાતની અવરજવર અને સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સઘન તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, પર્વત પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે, જેથી તોડફોડ કરનારા શખ્સોની ઓળખ થઈ શકે. પોલીસે ખાતરી આપી છે કે, ગિરનારની શાંતિ ડહોળવાના આ પ્રયાસને કદાપિ સાંખી લેવામાં નહીં આવે અને ટૂંક સમયમાં જ આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
