'કાંટા લગા' ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષે નિધન:દાવો-કાર્ડિયાક એરેસ્ટના લીધે મોત થયું
'કાંટા લગા'ના રિમેકથી ફેમસ થયેલી એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 27 જૂનની રાત્રે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
શુક્રવારે રાત્રે શેફાલીને તેના પતિ અને એક્ટર પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકો બેભાન હાલતમાં મુંબઈના અંધેરીમાં આવેલી બેલેવ્યુ હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હોસ્પિટલના રિસેપ્શન સ્ટાફે પુષ્ટિ આપી છે કે શેફાલી જરીવાલાને હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવી હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
પહેલા લગ્ન સંગીતકાર હરમીત સિંહ સાથે થયા હતા
શેફાલી જરીવાલાએ 2004માં મીત બ્રધર્સ સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેના 2009માં છૂટાછેડા થયા હતા. આ પછી, તેણે 2015માં એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા.
‘કાંટા લગા’ ગીત સાથે ફેમસ બનેલી શેફાલી જરીવાલાના અચાનક નિધનથી પ્રશંસકોમાં દુઃખની લાગણી પ્રસરી છે. 42 વર્ષની વયે શેફાલી જરીવાલાનું નિધન પ્રશંસકોને આંચકો આપી ગયું છે. શેફાલી જરીવાલાએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં "કાંટા લગા" ગીતથી ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ ગીત લાંબા સમય સુધી વિવાદમાં પણ રહ્યું હતું. આ પછી, કોઈએ શેફાલીના મૃત્યુના સમાચાર પણ ફેલાવ્યા. વર્ષો સુધી ગુમ રહ્યા પછી, શેફાલી જરીવાલાએ બિગ બોસમાં વાપસી કરી અને તે ખૂબ જ શાનદાર દેખાઈ હતી. ત્યારબાદ શેફાલી સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે ‘મુજસે શાદી કરોગી’ ફિલ્મમાં પણ જોવા મળી હતી.'કાંટા લગા' મ્યૂઝિક વીડિયોથી શરૂઆત કરી હતી
શેફાલી જરીવાલાએ 19 વર્ષની ઉંમરે 'કાંટા લગા' મ્યુઝિક વીડિયોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેણે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ગીતમાં તેની બોલ્ડ સ્ટાઇલ અને ડાન્સિંગ સ્ટાઇલે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.